દુષ્કર્મ કેસમાં ફરાર કોંગ્રેસ નેતાનો પુત્ર – ભાજપના ધારાસભ્યનો દોહિત્ર 18મા દિવસે ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

દુષ્કર્મ કેસમાં ફરાર કોંગ્રેસ નેતાનો પુત્ર – ભાજપના ધારાસભ્યનો દોહિત્ર 18મા દિવસે ઝડપાયો
આરોપી અનિરુદ્ધ ફાજલપુર બ્રિજ પાસેથી પકડાઈ ગયો
બે દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આણંદ લઈ જય પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરૂદ્ધસિંહ ગોહિલ સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના 18માં દિવસે આજે આરોપી અનિરુદ્ધ ફાજલપુર બ્રિજ પાસેથી પકડાઈ ગયો છે. આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ તેને આણંદ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં રાજ નર્સિંગ હોમ સહિતના સ્થળોએ લઈ લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દુષ્કર્મ કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનો દોહિત્ર હોવાનો પણ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો.

વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અને ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનો દોહિત્ર એવા આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલને છેલ્લા 18 દિવસથી વડોદરા પોલીસ શોધી રહી હતી. જોકે, આરોપી પોલીસની પકડમાં આવી રહ્યો ન હતો. આ દરમિયાન આજે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ અને નંદેસરી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, આરોપી અનિરુદ્ધ ફાજલપુર બ્રિજ પાસે ફરતો જોવા મળ્યો છે. જેથી, પોલીસની ટીમો ફાજલપુર બ્રિજ પાસે પહોંચી ગઈ હતી અને આરોપી અનિરુદ્ધને ઝડપી પાડ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરીને પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ અને એટ્રોસિટીના આ કેસની તપાસ SC/ST સેલના ACP સી.બી. સોલંકીને સોંપવામાં આવી હતી. આ દરમિયાન આરોપી આજે પકડાઈ ગયો છે, આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ એક બુલેટ અને એક ક્રેટા કાર અને આરોપીનો મોબાઈલ જપ્ત કર્યો છે. આરોપીએ પોલીસથી બચવા માટે પોતાના વાળ કપાવી નાખ્યા હતા. જેથી પોલીસને ઓળખી ન શકે. જોકે, પોલીસે આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.

26 વર્ષીય આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે યુવતીના ઘરે અને હોટલમાં લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ હતી અને ત્યારબાદ આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલે જબરદસ્તી અબોર્શન કરાવી દીધું હતું. આ વાતની જાણ યુવતીના પરિવારને થઈ હતી. જેથી, યુવતીએ અનિરુદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. યુવતીએ ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો છે. આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલના પિતા રાજેન્દ્રસિંહ ગોહિલ તાલુકા પંચાયતની નંદેસરી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. અગાઉ તેઓ ભાજપમાં હતા અને ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. આરોપી અનિરુદ્ધસિંહના દાદા મંગળસિંહ ગોહિલ વડોદરા રૂરલ બેઠક પર ધારાસભ્ય હતા. તેઓ 1990માં જનતા દળમાંથી ચૂંટણી લડીને જીત્યા હતા અને આરોપીના નાના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર હોવાનો પણ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *