વિસાવદર બેઠક પર ભાજપનો મોટો દાવ
સીએમ પટેલે કહ્યું આ વખતે ભૂલ નહીં થાય અને કમળ જ જીતશે,
નકારાત્મક રાજનીતિ સામે સચેત રહેવું’
કિરીટ પટેલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે મજબૂત દાવ રમ્યો છે. પક્ષે પાટીદાર સમાજના અગ્રણી નેતા કિરીટ બાબુલાલ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ત્યારે પ્રાંત કચેરી ખાતે ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, જયેશ રાદડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજય મુહૂર્તમાં કિરીટ પટેલે ફોર્મ ભર્યું હતું. આજે ભાજપ દ્વારા વિશાળ જનમેદની સાથે શોભાયાત્રા યોજવા તેમજ સભાનું આયોજન કરાયું હતું.
ગુજરાતની બે વિધાનસભાની પેટ ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના આખરી દિવસે વિસાવદર સીટ ઉપર ભાજપ છેલ્લા દિવસે પાટીદાર નેતા કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે ત્યારે વિસાવદર ખાતે યોજાયેલી ચૂંટણી સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ વખતે કોઈ ભૂલ નહીં થાય અને કમળ જરૂરથી જીતશે. તેમણે સ્વપક્ષના સમર્થન માટે જનતાની અખૂટ લાગણી અને વિશ્વાસ ઉપર શ્રદ્ધા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ દેશની આંતરિક સુરક્ષા અને સેનાના માન-ગૌરવની વાત કરતાં વધુમાં જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતા માટે દેશના સૈનિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભાજપ રાષ્ટ્રહિતને સર્વોપરી માનતો પક્ષ છે અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે કોઈપણ પ્રકારની રાજકીય સમજૂતીઓ કે શંકાને સ્થાન નથી. કિરીટ પટેલે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળા દરમિયાન જુનાગઢ જિલ્લામાં વિવિધ આગવી જવાબદારીઓ નિભાવી છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે સંગઠનની વૃદ્ધિમાં યોગદાન આપ્યું અને પછી જિલ્લા ભાજપના પ્રમુખ પદે રહીને અનેક સફળ કાર્યક્રમોનું નેતૃત્વ કર્યું. તેમણે કૃષિ ઉત્પાદન બજાર સમિતિઓમાં ચેરમેન તરીકે કાર્યકાળ દરમિયાન ખેડૂતોના હિત માટે અનેક સાહસિક નિર્ણયો લીધા હતા. તેમજ ધી જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પદે રહીને ખેડૂત નાણાંકીય સુખાકારી માટે કાર્ય કર્યું છે.
વિસાવદરને “કેશુભાઈ પટેલની કર્મભૂમિ” તરીકે સંબોધીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિસાવદર એવી ભૂમિ છે જેણે ગુજરાતને વિઝનરી નેતૃત્વ આપ્યું છે. હું અહીં કેશુભાઈ પટેલને નતમસ્તક વંદન કરું છું, જેમણે રાજ્ય માટે નમ્રતા, નિષ્ઠા અને પ્રજાહિત માટે જીવન સમર્પિત કર્યું છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આજના સમયમાં દેશની જીએસટી આવક રૂ. 2 લાખ કરોડને પાર પહોંચી છે. વેપારીઓ અને ઉદ્યોગકારોએ ધંધો ધપાવ્યો, રોજગાર આપ્યો અને ત્યારે જ ટેક્સ ભર્યો. આ માટે સરકારે તેમની માટે સરળ વ્યવસ્થાઓ અને નીતિ આધાર પૂરો પાડ્યો છે. એટલે આજે આવી મોટી આવક થવા પામી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી