હોટલમાં સોફ્ટવેર એન્જિનિયરનું રહસ્યમય મોત
યુવકનાં ગળા, હાથ અને બંને સાથળે ચપ્પુના ઘા
ચોથા માળેથી નીચે પટકાયા બાદ મોત,
આત્મહત્યા કે હત્યાને લઈને રહસ્ય
સુરતના ડુમસમાં રેહતી યુવાન કામ માટે જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ વેસુની એલીગન્ટ હોટેલમાંથી તેની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. લાશ ઉપર ઈજાના નિશાન જોવા મળતા પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
મૂળ મહેસાણાના ઉઝાના વતની અને હાલ ડુમસ રોડ પર આવેલા ઓડી કાર શો રૂમ પાસેની વિરભદ્ર હાઇટ્સમાં રહેતા 35 વર્ષીય અક્ષત જિગ્નેશભાઈ શાહ બેંગલોરની ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી વર્ક ફોર્મ હોમ કામ કરતાં હતા. સંયુક્ત પરિવાર સાથે રહેતા અક્ષતશાહને દોઢ વર્ષનો પુત્ર છે. સોફટવેર ઇજનેર અક્ષત શાહ આજે બપોરે ઓફિસના કામ માટે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા દરમિયાન સાંજે ચાર વાગ્યે તેઓ વેસુ વિસ્તારની એલિગન્ટ હોટલના ચોથા માળેથી ઘાયલ અવસ્થામાં નીચે પટકાયા હતા, દરમિયાન તેમને કોઈ રાહદારીએ જોતાં હોટલના સ્ટાફને જાણ કરી હતી. બાદમાં તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. મૃતકને ડાબા હાથ, ગળા અને બંને પગની જાંઘમાં તીક્ષ્ણ હથિયારથી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા આ મામલે ખટોદરા પોલીસ તપાસ કરી રહી છે. મૃતક અક્ષતની માતા સહિતનો પરિવાર નવી સિવિલ હોસ્પિ.માં પહોંચ્યો હતો. જ્યાં પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. દીકરાના મોતના આઘાતમાં માતાની તબિયત લથડતા તેણીને નવી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરિવારજનોએ અક્ષતની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસની તપાસમાં સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા. સીસીટીવી ફુટેજમાં મૃતક અક્ષત બપોરે 1 કલાક અને 17 મિનિટે હોટલમાં જતો દેખાય છે. બનાવમાં હત્યાની આશંકા સેવાઇ રહી છે. જેથી પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે.