જુનાગઢની આલ્ફા સ્કૂલમાં ગુંડાગીરી મામલે તંત્ર એક્શનમાં.
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કહ્યું કોઈને સાંખી લેવામાં નહીં આવે
વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો વીડિયો થયો હતો વાયરલ.
રાજ્યની શાળાઓ કુરુક્ષેત્રનું મેદાન બનવા લાગી છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનો વિવાદ શમ્યો નથી ત્યાં જૂનાગઢની મધુરમ સ્થિત આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ વિવાદમાં સપડાઈ. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ વચ્ચે સામાન્ય બબાલમાં મારામારીની ઘટના બની. જે મામલે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે
જૂનાગઢની મધુરમ સ્થિત આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ અને તેની હોસ્ટેલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. શાળાની હોસ્ટેલમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર તેના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં દોઢ મહિના પહેલાં આ ઘટના બની હતી. ફરીયાદીને દીકરાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જોવા મળ્યો, જેમાં તેનો દીકરો હોસ્ટેલના રૂમમાં હતો અને અન્ય ચાર સિનિયર વિદ્યાર્થીઓ તેને ગાળો આપીને ઢીકા-પાટુંનો માર મારી રહ્યા હતા. આ વીડિયો જોતા જ ફરિયાદીએ તાત્કાલિક તેમના બનેવીને જાણ કરી અને દીકરાને હોસ્ટેલમાંથી ઘરે પાછો લાવવા જણાવ્યું હતું. જે ઘટનાને પગલે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કહ્યું “કોઈને સાંખી લેવામાં નહીં આવે કબડ્ડી રમતી વખતે થયેલા એક સામાન્ય ઝઘડાનું પરિણામ હતું. આ ઝઘડામાં ભૂલથી ફરિયાદીના દીકરાનો હાથ અન્ય વિદ્યાર્થીને લાગી ગયો હતો. આ વાતનું મનદુઃખ રાખીને પાંચ વિદ્યાર્થીઓએ ભેગા મળીને તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભોગ બનનાર વિદ્યાર્થીને શરીરના વિવિધ ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી છે. પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ ઘટનાનો સૌથી ગંભીર મુદ્દો શાળા સંચાલકોની બેદરકારી છે. ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારજનોએ કહ્યું કે શાળા સંચાલકોને આ ઘટનાની જાણ બીજા જ દિવસે થઈ ગઈ હતી. તેમ છતાં, તેમણે દોઢ મહિના સુધી વિદ્યાર્થીના પરિવારને કોઈ પણ પ્રકારની જાણ કરી ન હતી. પરિવારે આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, “જો આ છોકરાને કંઈ થઈ ગયું હોત, તો તેની જવાબદારી કોની હોત ? આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ જ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
