સુરતની અઠવા પોલીસેસાજુ કોઠારી અને તેના ભાઈની ધરપકડ કરી
સાજુ કોઠારી અને તેના ભાઈ સામે ભત્રીજાએ ઉઘરાણી કરવાની ફરિયાદ નોંધાવી
પોલીસે બન્ને પાસેથી બે દેશી તમંચા પણ કબજે કર્યા
સુરતના નાનપુરા ખાતે રહેતા સાજુ કોઠારી અને તેના ભાઈ સામે તેના જ સગા ભત્રીજાએ 30 લાખની ઉઘરાણી કરવા રિવોલ્વરથી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ અઠવા પોલીસ મથકે નોંધાવતા અઠવા પોલીસે સાજુ કોઠારી અને તેના ભાઈની ધરપકડ કરી તેઓને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરી હતી.
અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા જમરૂખગલીમાં રહેતા આકીબ આરીફ કોઠારીએ તેના સગા કાકા સાજુ કોઠારી અને યુનુસ ગુલામ મોહંમદ કોઠારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આકીબ આરીફ કોઠારીએ જણાવ્યુ હતુ કે તેણે સજ્જુ કોઠારીની પત્ની પાસેથી ટુકડે ટુકડે કરી 50 લાખની રકમ લીધી હતી. તે સમયે સજ્જુ કોઠારી જેલમાં હતો. સજ્જુ જેલમાંથી છુટ્ટીને આવ્યો ત્યારે આકીબ પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. આકીબે તેને પહેલા 20 લાખની રકમ આપી હતી. બાકી 30 લાખ માટે સજ્જુ કોઠારીએ આકીબ પાસેથી થાર ગાડી પડાવી લીધી હતી. શુકવારે સજ્જુ કોર્ટ મુદ્દત માટે સુરત આવ્યો હતો તે વખતે જમરૂખગલીમાં બપોરના સમયે સજ્જુ કોઠારી તેના ભાઈ યુનુસ સાથે આકીબના ઘરે ગયો હતો અને તેની પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. સગા ભત્રીજા પાસે 30 લાખની ઉઘરાણી કરવા રિવોલ્વરથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાને પગલે અન્ય એક ભત્રીજાએ 100 નંબર પોલીસને જાણ કરી હતી. આથી અઠવાલાઈન્સ પોલીસ દોડી આવી હતી અને સજ્જુ કોઠારી અને તેના ભાઈ યુનુસને લોડેડ પિસ્તોલ સાથે પકડી પાડયા હતા. બનાવ અંગે સગા ભત્રીજા આકીબ કોઠારીએ અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે સજ્જુ ગુલામ મોહંમદ કોઠારી અને તેનો ભાઈ યુનુસ ગુલામ મોહંમદ કોઠારીની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. સાથે બન્ને પાસેથી બે દેશી તમંચા પણ કબજે કર્યા હતાં.