સુરતના ડીંડોલીમાં યુવતીના આપઘાતથી ચકચાર
સાઈ દર્શન સોસાયટીમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું
સગાઈ બાદ સાસરિયા પક્ષની હેરાનગતિના પરિવારજનોના આક્ષેપ
સુરતના ડીંડોલી વિસ્તારમાં સાઈ દર્શન સોસાયટીમાં રહેતી યુવતિએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તો મૃતકના પરિવારજનોએ સગાઈ બાદ સસરા પક્ષ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવા અને વધુ પૈસાની માગણી કરાતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતાં.
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી સાઈ દર્શન સોસાયટીમાં રહેતી 30 વર્ષીય પલ્લવી મોરેના આપઘાતના બનાવે અનેક સવાલો ઊભા કર્યા છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો ગત 6 સપ્ટેમ્બરના રોજ પલ્લવીની સિદ્ધેશ જગતાપ સાથે સગાઈ થઈ હતી. ત્યારબાદ સસરા પક્ષ દ્વારા હેરાનગતિ અને વધુ પૈસાની માગણી કરવામાં આવતી હતી. આ સમગ્ર મામલામાં ઘટનાસ્થળેથી કથિત સુસાઈડ નોટ મળી આવી હતી. જોકે તેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. ડીંડોલી પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. મૃતકના માતા અનિતાબેન સહિત પરિવારજનો ન્યાયની માંગ કરી હતી. ત્યારે હવે પોલીસ તપાસમાં કથિત હેરાનગતિ અને પૈસાની માગણીના આક્ષેપો અંગે શું હકીકત સામે આવે છે તેના પર સૌની નજર છે.
