સુરતના ભેસ્તાનમાં બાંધકામ સાઇટ પર બે માસૂમ બાળકોનાં મોત
ભગવતી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં કરુણ ઘટના
પ્લોટ નંબર 41થી 43માં બાંધકામ દરમિયાન દુર્ઘટના
લિફ્ટના પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં બે બાળકોનાં મોત
સુરતના ભેસ્તાન વિસ્તારમાં બાંધકામ સાઇટ પર બાળકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે. ભગવતી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પાર્કના પ્લોટ નંબર 41થી 43માં ચાલી રહેલા બાંધકામ દરમિયાન લિફ્ટના પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોનાં કરુણ મોત નીપજતા પરિવારજનો અને આગેવાનો દ્વારા ન્યાયની માંગ કરાઈ હતી.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી ભગવતી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પાર્કની બાંધકામ સાઇટ પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્લોટ નંબર 41થી 43માં બાંધકામની કામગીરી ચાલી રહી હતી, જ્યાં શ્રમજીવી પરિવાર મજૂરી કામ કરતો હતો. સાંજે આશરે 6:30 વાગ્યાના અરસામાં પરિવાર કામમાં વ્યસ્ત હતો, ત્યારે ત્રણ વર્ષનો અલ્કેશ કટારા અને બે વર્ષની રીટા કટારા રમતાં-રમતાં લિફ્ટના પાણી ભરેલા ખાડામાં પડી ગયાં હતાં. બંને બાળકો નજરે ન પડતાં માતા-પિતાએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન લિફ્ટના ખાડામાં ભરાયેલા પાણીમાંથી બંને બાળકો મળી આવ્યાં હતાં. આ ઘટનામાં બંને માસૂમનાં મોત નીપજતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બંનેનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાએ બાંધકામ સાઇટ પર સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. શું પાણી ભરેલા લિફ્ટના ખાડાની આસપાસ યોગ્ય બેરિકેડિંગ અને સુરક્ષાનાં પગલાં લેવામાં આવ્યાં હતાં? બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમજીવી પરિવારોનાં બાળકોની સુરક્ષા માટે શું વ્યવસ્થા હતી? અને જો સુરક્ષામાં બેદરકારી સામે આવે તો જવાબદારી કોની રહેશે? હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
