તાપી : ઉકાઇના 500 ક્વોટર્સમાં પાણીની ગંભીર સમસ્યા
રહીશોએ મીડિયા મારફતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો
પીવાના પાણીની ગંભીર સમસ્યા ને લઇ રહીશોમાં હોબાળો
ઉકાઇના 500 ક્વોટર્સ માં છેલ્લા દસ દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. પાણી ન મળતા રહીશો ભારે પરેશાન થયા છે અને રોજિંદા જીવન પર તેનો ગંભીર પ્રભાવ પડી રહ્યો છે. આ મુદ્દાને લઈને ગતરોજ રહીશો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને મીડિયા મારફતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમને કાઢવા માટે ઈરાદાપૂર્વક લાઈટ અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ બંધ કરવામાં આવે છે. ખાસ કરીને સેક્ટર-1ના અધિકારીઓ પર આક્ષેપો થયા છે. રહીશોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે સરકાર મફત સુવિધાઓની વાત કરે છે, પરંતુ બાદમાં તેમને ખાલી કરાવવા માટે જુદી જુદી રણનીતિઓ અપનાવે છે. એક સ્થાનિક રહીશે જણાવ્યું કે – “અમે દાયકાઓથી અહીં રહેીએ છીએ, અમારી પેઢીઓ અહીં વીતી ગઈ છે. છતાં આજે અમને કાઠવા માટે પાણી અને લાઈટ બંધ કરવામાં આવે છે આ કેટલું યોગ્ય છે. અમારી માંગ છે કે અહીંના રહેવાસીઓની મુશ્કેલીઓનું સરકાર તાત્કાલિક ધ્યાન આપે અને ન્યાયસંગત નિર્ણય કરે.” આ મુદ્દે રહીશો વચ્ચે સરકાર તથા ખાસ કરીને મોદી સરકાર વિરુદ્ધ પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે. હવે જોવાનું રહ્યું કે શું ઉકાઇના 500 ક્વોટર્સ ના લોકોની પીડા દૂર કરવા માટે સ્થાનિક અધિકારીઓ અને મંત્રીઓ તથા તંત્ર તાત્કાલિક પગલાં લે છે કે નહીં
