અરવલ્લીમાં જીવતી મહિલાને મૃત બતાવી જમીન હડપવાનું કૌભાંડ.

Spread the love

અરવલ્લીમાં જીવતી મહિલાને મૃત બતાવી જમીન હડપવાનું કૌભાંડ.
ભેમાપુર ગામની 2 હેક્ટરથી વધુ જમીન પચાવી પાડવા ષડયંત્ર.
વકીલ અને રેવન્યુ તલાટી સહિત 13 ઈસમો સામે ફરિયાદ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં જમીન હડપવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભેમાપુર ગામની એક જીવતી મહિલાને દસ્તાવેજોમાં મૃત દર્શાવી તેની 2 હેક્ટરથી વધુ જમીન પોતાના નામે કરવાનો પ્રયાસ કરાયો હતો. આ મામલે એક વકીલ સહિત કુલ 13 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં જમીન હડપવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થતા ફરિયાદી અખમબેન ડામોરે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ જીવતી મહિલાનો ખોટો મૃત્યુ દાખલો અને ખોટું પેઢીનામું તૈયાર કર્યું હતું. ત્યારબાદ વારસાઈ નોંધ નંબર 2953 પોતાના નામે કરાવી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે એક વકીલ, 11 પુરુષો અને 2 મહિલાઓ સહિત કુલ 13 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. આ કૌભાંડમાં વહીવટી કર્મચારીઓ સામે પણ ફરજમાં બેદરકારી અને નિયમોનું પાલન ન કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

ફરિયાદીએ મામલતદાર કચેરીમાંથી જરૂરી દસ્તાવેજો મેળવ્યા બાદ આ સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસ દરમિયાન આરોપી વકીલ ભરત કટારા સહિત બે આરોપીઓની અટકાયત કરી હતી. મેઘરજ કોર્ટે બંને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને મોડાસા સબ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે તપાસ દરમિયાન અન્ય આરોપીઓની સંડોવણી તેમજ અન્ય ગુનાઓ પણ બહાર આવી શકે છે. હાલ મેઘરજ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *