દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ૨૬ મી મેના રોજ દાહોદમાં થશે આગમન
વડાપ્રધાનશ્રીના આગમનની પૂર્વ તૈયારીના ભાગરૂપે પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર દ્વારા જરૂરી માર્ગદર્શન સહિત સૂચન
દાહોદ જિલ્લામાં આગામી તા.૨૬ મેના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રવાસ કાર્યક્રમના સુચારુ આયોજન અંગે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે દાહોદ પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.
મળતી માહિતી અનુસાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન અન્વયે વિશેષ તકેદારી, કાયદા અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ વિભાગ, ઇમરજન્સી કેસ માટે આરોગ્ય તેમજ ફાયર વિભાગની ટીમને ખડેપગે હાજર રહેવા જણાવાયું હતું. એ સાથે સિક્યુરિટી, સ્ટેજ, ડોમ, જવા – આવવાના રૂટની વ્યવસ્થા, ગરમીને ધ્યાને રાખીને લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા જેવા અગત્યના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે અધિકારીશ્રીઓને પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર દ્વારા જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનો આપવામાં આવ્યા હતા. જેમાં વહીવટી તંત્ર દ્વારા અધિકારીશ્રીઓને આપવામાં આવતી સૂચનાઓનો અમલ તુરંત જ કરવા માટે સતર્ક રહી સત્વરે કામગીરી કરવા જણાવ્યું હતું. લોકોને પ્રાથમિક સુવિધાઓમાં અગવડતા ન પડે, બદલાતા વાતાવરણને ધ્યાને રાખીને આગોતરા આયોજન દ્વારા તેમજ અધિકારીશ્રીઓને એકબીજાના સંકલનમાં રહીને વ્યવસ્થા કરવા જણાવ્યું હતું, બેઠકમાં સમગ્ર અધિકારીઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા…