મંત્રી ઋષિકેશ પટેલએ કહ્યું અતિશય વરસાદના કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું
માસૂમ બાળકના મૃત્યુ બાદ પણ ગાંધીનગર મનપા નિંદ્રાધીન
સેક્ટર 1 ના કૃત્રિમ તળાવમાં હજુ સુધી નથી કરાયું બેરિકેડિંગ
કૃત્રિમ તળાવ પાસે હજુ સુધી નથી કોઈ સિક્યોરિટી ગાર્ડ
ગુજરાતમાં ચોમાસાના કારણે અનેક રોડ પર ખાડા પડી ગયા છે. ક્યાંક ખાડામાં વાહન ચાલકો પટકાય છે અને મોતને ભેટે છે. બીજી તરફ પાણી ભરેલા ખાડાની આસપાસ કોઈ બેરિકેટિંગ પણ કરવામાં આવતું નથી. ગુજરાતને દેશમાં વિકાસનું મોડેલ કહેવામાં આવે છે. પરંતુ આ વિકાસના મોડેલના પાટનગરમાં એક બાળકનું પાણી ભરેલા ખાડામાં પડી જવાથી મોત નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સેક્ટર 1માં મહાનગર પાલિકાની બેદરકારીને કારણે એક સાત વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. પાટનગરમાં તૈયાર કરવામાં આવેલા એક કૃત્રિમ તળાવમાં ખાબકતા કુલદીપ ભરવાડ નામના બાળકનું મોત થયું છે. આ બાળક ટ્યુશનથી આવીને રમવા ગયો હતો. રમતી વખતે તે ખાડામાં પડ્યો હોવાનો લોકોએ દાવો કર્યો છે. રાત્રે 11 વાગ્યા સુધી આ બાળક ઘરે નહીં આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. બાળકનો પત્તો નહીં લાગતાં પોલીસમાં ગુમ થયાની અરજી પણ અપાઈ હતી. આખી રાતની શોધખોળ દરમિયાન સવારે ખાડામાં ભરાયેલા પાણીમાં બાળકનું માથું દેખાયું હતું. સ્થાનિકોએ બાળકને ખાડામાંથી બહાર કાઢ્યો હતો. આટલી મોટી ઘટના બન્યા બાદ પણ મહાનગર પાલિકાના મેયર, કમિશનર કે પદાધિકારીઓ ઘટના સ્થળે ફરક્યા નહોતા.ચોમાસાની સિઝન હોવાથી પાટનગરમાં અનેક ખાડા પડી ગયાં છે. જ્યાંથી આખા ગુજરાતનો વહિવટ થાય છે એ પાટનગરમાં ખાડારાજ જોવા મળ્યું છે. જેને લઇ ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે
આ ઘટનામાં શહેરના મેયર બચાવની ભૂમિકામાં આવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, આ ઘટનામાં કોઇની બેદરકારી ન હોય. તળાવનું કામ ચાલે છે ત્યાં કંપાઉન્ડ વોલ છે.ગાર્ડ પણ બેસાડવામાં આવ્યો છે.જવાબદાર હશે તો કાર્યવાહી કરીશુ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું હતું કે, અમે બધી ચકાસણી કરીએ છીએ.આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આ વખતે વરસાદ વધુ પ્રમાણમાં પડ્યો છે. કોર્પોરેશન અને રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના કામ ચાલી રહ્યાં છે.પાણી ભરાવાના અને રોડ તૂટવાના બનાવ બન્યા છે.બાળકના મોતની ઘટના બની તે ધ્યાને આવ્યું છે. લોકોએ વિશેષ કાળજી રાખવી જોઇશે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી