કરંજ-સાઈનર્ષ-મેટાલિક-ફેક્ટરી-આગ
બોઈલર ફાટતાં ભયંકર આગ લાગી.
અરેઠ તાલુકાના કરંજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સાઈનર્ષ મેટાલિક કંપનીમાં ગત મોડી રાત્રે બોઈલર ફાટતા ભયંકર આગ લાગતાં અફરાંતફરી મચી જવા પામી હતી. અને ફાયર બ્રિગેડને જાણ કરતાં બે કલાકથી વધુના સમયની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ અરેઠ – કીમ જતાં રોડ પર આવેલા કરંજ ગામે પ્લાસ્ટિકના રોલ બનાવતી કંપનીમાં મોડી રાત્રે અચાનક બોઈલર ધડાકાભેર ફાટતાં ભાગદોડ મચતાં આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.તેમજ આ વિસ્તાર આવેલી અન્ય કંપનીઓના કર્મચારીઓમાં પણ ભયભીત થયા હતા.આ ભીષણ આગ અંગેની જાણ થતાં જ સુમિનોન અને ટોરેન્ટ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.જોકે, બોઈલર ફાટવાના કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે.આ આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે હાજર રહી ભીડને નિયંત્રિત કરીને સુરક્ષા વ્યવસ્થા જાળવી હતી.
