વડોદરામાં 1.58 કરોડની વ્હેલ માછલીની ઉલટી વેચવા આવતા શખ્સો ઝડપાયા
વ્હેલ માછલીની ઉલટી વેચવા ફરતા 6 શખ્સો ઝડપાયા
સુરતનો એક શખસ એમ્બરગ્રીસ વેચવા અહીં આવ્યો હતો
અટલાદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
વડોદરા એલસીબી ઝોન-2 ની ટીમે તાજેતરમાં દુર્લભ ‘તરતા સોના’ તરીકે ઓળખતી સ્પર્મ વ્હેલ માછલીની શંકાસ્પદ ઊલટી (એમ્બરગ્રીસ) પકડી પાડી હતી.
વડોદરા એલસીબી પોલીસે 5 કિલો ઉપરાંત એમ્બરગ્રીસ સાથે 6 જણાને પકડી પાડ્યા હતા. પોલીસે 5 કિલો એમ્બરગ્રીસની કિંમત રૂ.1.58 કરોડ રૂપિયા ગણી છે, જોકે ગેરકાયદે વેચાણના માર્કેટમાં એની એક કિલોની કિંમત 1થી 2 કરોડ રૂપિયા જેટલી છે. સુરતથી એક શખસ એમ્બરગ્રીસ વેચવા વડોદરા આવ્યો હતો, જોકે પોલીસ આવતાં તે શખસ ભાગી ગયો હતો. ભારતના વન્યજીવન સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ સ્પર્મ વ્હેલને સંરક્ષિત પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે અને એનાં ખરીદ-વેચાણ ગેરકાયદે છે. આ અંગે ડી ડિવિઝન એસીપી એ.વી. કાટકડે જણાવ્યું, એસસીબી ઝોન-2નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન તેમને માહિતી મળી હતી કે બિલ-કેનાલ રોડ પર આવેલા ધ માર્ક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં કેટલાક માણસો સ્વિફ્ટ ડિઝાયર કારમાં વ્હેલ માછલીની ઊલટી શંકાસ્પદ રીતે વેચાણ કરવા ઇરાદે ફરે છે. એના આધારે એલસીબી ઝોન-2ની ટીમે 6 શખસને ઝડપી પાડ્યા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ કેસમાં એફએસએલ અને ફોરેસ્ટ ઓફિસરને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી છે. શંકાસ્પદ વ્હેલ માછલીની ઊલટી એફએસએલ તપાસમાં મોકલવામાં આવી છે. આરોપી વ્રજ દવે લઇને આવ્યો હતો અને 6 લોકો વ્હેલ માછલી ઊલટી લેવા માટે આવ્યા હતા. વ્હેલ માછલીની ઊલટીનો ઉપયોગ પર્ફ્યૂમ અને ચાઇનીઝ દવાઓ બનાવવામાં થાય છે. સુરતનો એક શખસ એમ્બરગ્રીસ વેચવા અહીં આવ્યો હતો. એમ્બરગ્રીસની કિંમત પોલીસે 30 લાખ પ્રતિ કિલો ગણી છે. એના આધારે રૂ.1.58 કરોડની એમ્બરગ્રીસનો પદાર્થ ગણાયો છે. પોલીસે સ્થળ પરથી કાર, 6 જણાના ફોન સહિત રૂ.1.65 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો. અટલાદરા પોલીસ સ્ટેશને તમામ આરોપીઓને સોંપ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા આ એમ્બરગ્રીસ ક્યાં વેચવાનું હતું ? કોની પાસેથી મેળવ્યું હતું ? સહિતના મુદ્દે આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી