શિયાળામાં પ્રાણીઓને ઠંડથી બચાવવા માટે પાંજરા પર ગ્રીનનેટ

Featured Video Play Icon
Spread the love

શિયાળામાં પ્રાણીઓને ઠંડથી બચાવવા માટે પાંજરા પર ગ્રીનનેટ
જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કરાય વ્યવસ્થા
વન્યપ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ઠંડીને લઈ પશુ-પક્ષીઓની વિશેષ કાળજી લેવાઈ રહી છે, હીટર લગાવી ઠંડી સામે રક્ષણ અપાય છે. ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્યથી સભર જૂનાગઢ શહેરમાં હવે શિયાળાની ઋતુએ જમાવટ કરી છે.

સામાન્ય જનજીવન ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પણ મૂંગા પશુ-પક્ષીઓની વિશેષ કાળજી લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ​સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એ માત્ર પ્રવાસન સ્થળ નથી, પરંતુ હજારો વન્યજીવોનું સુરક્ષિત આશ્રયસ્થાન છે. ઠંડીના પારો ગગડતાની સાથે જ વન્યજીવોને કોઈ પણ પ્રકારની બીમારી કે તકલીફ ન પડે તે માટે ઝૂ મેનેજમેન્ટ દ્વારા ‘વિન્ટર મેનેજમેન્ટ’ હેઠળ અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. પક્ષીઘરમાં ઠંડા પવનના સુસવાટા સીધા પાંજરામાં ન પ્રવેશે તે માટે તમામ પાંજરાઓની આસપાસ ગ્રીન નેટ લગાવી દેવામાં આવી છે. આ નેટ પવનની ગતિને અવરોધે છે અને પક્ષીઓને હૂંફાળું વાતાવરણ પૂરું પાડે છે. બીજી તરફ, ઠંડા લોહીવાળા પ્રાણીઓ એટલે કે સરીસૃપો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના રહેઠાણમાં તાપમાન જાળવી રાખવા માટે ઇલેક્ટ્રિક બલ્બ અને હીટર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમના પાંજરામાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી તેઓ કુદરતી રીતે પણ ગરમી મેળવી શકે.

એશિયાટિક લાયન માટે જાણીતા આ સંગ્રહાલયમાં સિંહ, વાઘ અને દીપડા જેવા હિંસક અને માંસાહારી પ્રાણીઓના આરામ માટે પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવી છે. આ ઘાસ કુદરતી ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે, જે જમીનની ઠંડકને પ્રાણીઓના શરીર સુધી પહોંચવા દેતું નથી અને તેમને રાત્રિ દરમિયાન હૂંફ આપે છે. માત્ર રહેઠાણ જ નહીં, પરંતુ પ્રાણીઓની આંતરિક રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેમના આહારમાં પણ નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે. ઠંડી સામે લડવા માટે વધુ ઊર્જાની જરૂર હોવાથી સિંહ અને વાઘ જેવા પ્રાણીઓના ખોરાકના જથ્થામાં વધારો કરવામાં આવ્યો છે, પ્રાણીઓના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે પીવાના પાણી અને ખોરાકમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ ઉમેરવામાં આવે છે, જેથી તેઓ મોસમી બીમારીઓથી સુરક્ષિત રહે છે. આમ, જૂનાગઢની કડકડતી ઠંડીમાં પણ સક્કરબાગના મહેમાનો એટલે કે વન્યજીવો ‘હૂંફ’ અને ‘સુરક્ષા’નો અનુભવ કરી રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *