અમદાવાદમાં દીપડાની દહેશત વચ્ચે વનમંત્રી પ્રવીણ માળીનું નિવેદન.
દીપડો આવ્યો એ ચિતાનો વિષય છે
સ્થાનિકોને ગભરાવવાની જરૂર નથી
અમદાવાદ શહેરમાં દીપડાની અવરજવર અંગે મળેલી માહિતી બાદ વન વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે.
સંભવિત રીતે નદીના કોતર અથવા આસપાસના કુદરતી વિસ્તારોમાંથી દીપડો શહેરી વિસ્તાર તરફ આવી પહોંચ્યો હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં દીપડો દેખાવાની ઘટનાને ગંભીરતાથી લઈ વન વિભાગે શોધખોળ શરૂ કરી છે અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. વન વિભાગના અધિકારી પ્રવીણ માળીના જણાવ્યા મુજબ, અગાઉ પણ અનેક વખત જંગલ અથવા નદી કિનારાના વિસ્તારોમાંથી દીપડા શહેરની સીમામાં પ્રવેશ્યા હોવાના બનાવો નોંધાયા છે. જોકે મોટા ભાગના કિસ્સાઓમાં દીપડાને કોઈ જાનહાનિ વગર સુરક્ષિત રીતે પકડીને તેના કુદરતી રહેઠાણમાં પરત મોકલવામાં આવ્યો છે. હાલ પણ વન વિભાગનો મુખ્ય પ્રયાસ દીપડાને વહેલી તકે શોધી સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવાનો છે. પ્રવીણ માળના જણાવ્યાનુસાર, જ્યાં જ્યાં દીપડાના પગલાંના નિશાન (ફૂટપ્રિન્ટ) મળશે ત્યાં વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે. દીપડાની હિલચાલનો માર્ગ જાણી તેને ઝડપી લેવા માટે ટ્રેકિંગ ટીમો તૈનાત કરવામાં આવી છે.
દીપડો દેખાય તો લોકો ગભરાઈને તેને પથ્થર મારવા, ઘેરવાનો પ્રયાસ કરવા અથવા અન્ય કોઈ રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરે. આવું કરવાથી દીપડો ભયભીત બની વધુ આક્રમક બની શકે છે અને અકસ્માત સર્જાઈ શકે છે. અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, તાલીમબદ્ધ રેસ્ક્યૂ ટીમો દ્વારા દીપડાને ખૂબ જ ઝડપથી પકડી લેવામાં આવશે. તેથી નાગરિકોએ ધીરજ રાખી માત્ર વન વિભાગને જાણ કરવી જોઈએ. અધિકારીઓના જણાવ્યા મુજબ, દીપડો સામાન્ય રીતે શાંતિપૂર્ણ અને ઓછા અવરજવરવાળા વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે. તેથી નદીના કોતર, ઝાડી-ઝાંખરા, અંધારા વિસ્તારો અને સૂમસામ સ્થળોની ખાસ તપાસ કરવામાં આવી રહી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
