સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર યથાવત્
લિંબાયતમાં એક કલાકમાં 5.60 ઇંચ વરસાદથી રોડ પર 3 ફૂટ પાણી ભરાઈ ગયાં,
5 કિમી લાંબા ટ્રાફિક જામમાં 2 કલાક સુધી લોકો ફસાયા
સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર યથાવત્ છે. તો શુક્રવારે શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આભ ફાટ્યું હોય તે રીતે લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ અને 3 કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું.
હવામાન વિભાગે આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી, જે મુજબ શહેરમાં મેઘમહેર જોવા મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે, પરંતુ કામ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને અચાનક આવેલા વરસાદથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારના બફારા અને ઉકળાટ બાદ બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના પીપલોદ, અઠવા, ડુમસ રોડ, વરાછા, અને સિટીલાઈટ જેવા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. તો સુરતના લિંબાયત વિસ્તારમાં તો આભ ફાટ્યુ હોય તેમ એક કલાકમાં છ સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા ચારેકોર પાણી પાણી થઈ ગયુ હતું. જેને લઈ લોકો ભારે હેરાન થયા હતાં.
