તિબ્બતથી નેપાળ સુધી જળપ્રલય
નેપાળમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે તબાહીનો માહોલ
નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલે આપી મહત્વની માહિતી
નેપાળના રસુવા ક્ષેત્રમાં અચાનક આવેલા વિનાશક પૂરે હિમાલયન ક્ષેત્રમાં ભયાનક તબાહી મચાવી છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 175થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને સેંકડો લોકો હજુ પણ ગુમ છે. આ ગંભીર સંકટ વચ્ચે સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં આશરે 300 ભારતીય નાગરિકો સહિત 500થી વધુ વિદેશીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરતાં જણાવ્યું કે પ્રાથમિક આંકલન મુજબ માત્ર ગણતરીના કલાકોમાં જ એક પછી એક આખા શહેરો તબાહ થઈ ગયા છે અને સેંકડો પરિવારોએ પોતાના આશિયાના ગુમાવી દીધા છે. તમિલનાડુથી ગયેલા 57 પ્રવાસીઓમાંથી 37 લોકોનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી, જ્યારે 20 લોકો સુરક્ષિત હોવાની પુષ્ટિ થઈ છે. આ તમામ હિમાલય સ્થિત એક મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા. નેપાળના વિદેશ મંત્રીએ નવી દિલ્હી દ્વારા તાત્કાલિક મોકલવામાં આવેલી રાહત સામગ્રી અને માનવીય સહાય બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો. તેમણે વૈશ્વિક સમુદાયને અપીલ કરી કે આ સંકટના સમયે નેપાળ સાથે ઊભા રહે અને પુનઃનિર્માણમાં સહયોગ આપે.તેમણે સ્પષ્ટતા કરી પોખરા અને માઉન્ટ એવરેસ્ટ ક્ષેત્ર પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે સુરક્ષિત અને ખુલ્લા છે. 2015ના ભયાનક ભૂકંપનો ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નેપાળ આ આપત્તિમાંથી પણ ઝડપથી બેઠું થશે.
કોઈમ્બતુર સ્થિત સંસ્થાના 77 સભ્યો જે ઇમિગ્રેશન સેન્ટર પર હાજર હતા તેઓ લાપતા છે. સંસ્થાના સ્થાપક સદ્ગુરુએ જણાવ્યું કે, ઇમિગ્રેશન ઓફિસમાં ઉપસ્થિત લોકો પૈકી કોઈના વિશે પણ હજુ સુધી સત્તાવાર માહિતી મળી શકી નથી. જોકે, અન્ય 495 લોકો સુરક્ષિત રીતે પરત આવી ગયા છે. બાદમાં નેપાળ સરકારે પુષ્ટિ કરી હતી કે સંબંધિત ઇમિગ્રેશન સેન્ટરના કર્મચારીઓ સાથે પણ સંપર્ક થઈ શકતો નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
