સુરતની ડુમસ પોલીસની ખંડણી અને છેતરપિંડીના કેસમાં કાર્યવાહી
આરોપી રીપુસુદાન ઉર્ફે રિપ્સા ઉર્ફે રાહુલ ઉર્ફે રૂપેશ ઉર્ફે રઘુ ભૈરુલાલજી ખીચી
આરોપીની પંજાબના અમૃતસરથી ધરપકડ
સુરતની ડુમસ પોલીસે ખંડણી અને છેતરપિંડીના કેસમાં એકની ધરપકડ કરી છે. લોકોને ધર્મસ્થળોમાં મળીને વિશ્વાસમાં લઈ પોતાને અમીર વેપારી તરીકે રજૂ કરનાર અને રોકાણમાં મોટો નફો આપવાની લાલચ આપનાર આરોપીની પંજાબના અમૃતસરથી ધરપકડ કરવામાં આવી છે.
સુરતની ડુમસ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપીએ ફરિયાદીને મોટા વળતરની લાલચ આપી છેતરપિંડી કરી હતી. આરોપી રીપુસુદાન ઉર્ફે રિપ્સા ઉર્ફે રૂપેશ ઉર્ફે રઘુ ભૈરૂલાલજી ખીચી લોકોને વિશ્વાસમાં લેવા માટે મંદિરો અને ગુરુદ્વારામાં નિયમિત જતો હતો. મોંઘી કાર અને હોટલ-કાફેમાં જવાનો દેખાવ કરી પોતે અમીર અને ધાર્મિક વ્યક્તિ હોવાની છાપ ઊભી કરતો હતો. ત્યારબાદ પોતાનો અને પિતાનો શેરબજાર તથા રિયલ એસ્ટેટનો મોટો વેપાર હોવાનું જણાવી લોકોને રોકાણ માટે તૈયાર કરતો અને મોટા નફાની લાલચ આપી ઓનલાઈન પૈસા મેળવતો હતો. રોકાણના પૈસા પરત માંગવામાં આવે ત્યારે માર્કેટ ડાઉન છે અથવા વધુ પૈસા રોકશો તો અગાઉના રૂપિયા નફા સાથે પરત મળશે તેવી વાતો કરી વધુ રકમ પડાવતો હતો. જો કે ફરિયાદીએ રૂપિયા પરત માંગતા ધમકીઓ આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને ખંડણી માંગી હતી. આં ઠગે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે કુલ 28 લાખ 13 હજાર 500 પડાવી લીધા હતાં. જે અંગે ડુમસ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ ડુમસ પોલીસે ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરી અમૃતસર પંજાબથી આરોપી રીપુસુદાન ઉર્ફે રિપ્સા ઉર્ફે રાહુલ ઉર્ફે રૂપેશ ઉર્ફે રઘુ ભૈરુલાલજી ખીચીની ધરપકડ કરી હતી જે મુળ રાજસ્થાનના ચિત્તોડગઢનો હોવાનુ સામે આવ્યુ છે. આરોપી ગુજરાત ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં ફરતો હોવાની માહિતી સામે આવી છે અને અન્ય ગુનાઓમાં તેની સંડોવણી અંગે તપાસ ચાલુ છે.
