સુરતમાં વૃદ્ધ મહિલાના કાન કાપી લૂંટ
લૂંટેલી બુટી 27 હજાર રૂપિયામાં વેચી નાખી હતી
આરોપીને સાયલા તથા માણિયા મિયાણા ખાતેથી ઝડપી પાડ્યો
સુરતમાં વૃદ્ધ મહિલાના કાન કાપી લૂંટ ચલાવનાર આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં સાયલા તથા માણિયા મિયાણા ખાતેથી ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં વૃદ્ધ મહિલાના કાન કાપી સોનાની બુટી લૂંટી ફરાર થયેલા આરોપીઓને ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. વાત એમ છે કે ગત 26 મેના રોજ વેલંજા વિસ્તારમાં રિક્ષા ચાલકે વૃદ્ધ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી સોનાની બુટી માંગતા મહિલા રિક્ષામાંથી નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ આરોપીએ પાછળથી આવી બળજબરીપૂર્વક કાન કાપી અંદાજે 15 હજાર રૂપિયાની સોનાની બુટી લૂંટી ફરાર થયો હતો. ઘટનામાં મહિલાના કાનમાં ગંભીર ઈજા થતાં સાત ટાંકા આવ્યા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી સુરત ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ચોટીલાના રૂતિક સંજયભાઈ કાવીઠીયા અને કાજલબેન જોગીન્દર શર્માને ઝડપી પાડ્યા છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે પૈસાની જરૂરિયાતને કારણે તેણે આ લૂંટ અંજામ આપી હતી અને લૂંટેલી બુટી 27 હજાર રૂપિયામાં વેચી નાખી હતી. હાલ બંને આરોપીઓને ઉત્રાણ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
