અમદાવાદ GMERC માં નિઃશુલ્ક સ્પીચ પ્રોસેસરનું વિતરણ
જન્મજાત બહેરાશ ધરાવતા બાળકોને વિનામૂલ્યે સ્પીચ પ્રોસેસરનું વિતરણ
કોકલિયર ઇમ્પ્લાન્ટ અને એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસરના વિતરણ અને ફિટિંગ
સ્કૂલ આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત, GMERC મેડિકલ કોલેજ, સોલા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જન્મથી જ શ્રવણશક્તિ ગુમાવી ચૂકેલા બાળકોને કોક્લિયર ઇમ્પ્લાન્ટના બાહ્ય ભાગ એટલે કે એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસરનું નિઃશુલ્ક વિતરણ, ફિટિંગ અને મેપિંગ કરવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે કોક્લિયર ઇમ્પ્લાન્ટમાં બે ભાગ હોય છે, એક કાનની અંદર અને બીજો કાનની બહાર લગાવવામાં આવે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે રમતા રમતા અથવા અન્ય કારણોસર બાળકો કાનની બહારનું મશીન ખોઈ દે છે, પલાળી દે છે અથવા તો તે તૂટી જાય છે. મધ્યમ વર્ગના પરિવારો માટે આ મશીનને ફરીથી ખરીદવું આર્થિક રીતે મુશ્કેલ બની શકે છે. આથી જ આવા જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે આ નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં આવા કાર્યક્રમો અવાર નવાર યોજાય છે અને બાળકોને આ કીટનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ મશીન ખોવાઈ જવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આ વખતે ફરીથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે બાળકોને આ મશીનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જે બાળકો સાંભળી શકતા નથી, તેઓ સ્વાભાવિક રીતે બોલી પણ શકતા નથી. ત્યારે આવા બાળકો સાંભળી અને બોલી શકે તે માટે અત્યાર સુધીમાં 225 બાળકોમાંથી આજે 100 બાળકોને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા અનેક બાળકોના જીવનમાં નવી આશાનો સંચાર થયો છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી