સિવિલના બાથરૂમમાંથી મળ્યું મૃત ભૃણ,
સ્ટેમ સેલ બિલ્ડીંગના ચોથા માળેની ઘટના
E-1 વોર્ડના બાથરૂમમાંથી મળી આવ્યું ભૃણ
સુરત સુરત સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડીંગમાં ચોથા માળે આવેલા E-1 વોર્ડના બાથરૂમમાંથી આજે મોડી સાંજે એક ભ્રુણ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. સફાઈ કર્મચારી બાથરૂમ સાફ કરવા જતાં ભ્રુણને જોઈ હેબતાઈ ગઈ હતી. દોડીને વોર્ડની પરિચારિકાને જાણ કરતા આખો મામલો સામે આવ્યો હતો. આખરે ભ્રુણ ને પોસ્ટ મોર્ટમમાં મૂકી ખટોદરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટના સાંજે 5 વાગ્યાની આજુબાજુ ની હતી. સ્ટેમ સેલ બિલ્ડીંગના ચોથા માળે સફાઈ દરમિયાન કર્મચારીને 12-15 અઠવાડિયાનું ભ્રુણ મળી આવ્યું હતું. સફાઈ કર્મચારીએ તાત્કાલિક આ બાબતે વોર્ડની પરિચારિકાનું ધ્યાન દોરી ઘટના બાબતે મેડિકલ ઑફિસરને કહ્યું હતું. ત્યારબાદ મેડિકલ ઓફિસરે આખી ઘટના સિવિલ ચોકીને કરી હતી. જોકે સિવિલ ચોકીના પોલીસ કર્મચારીઓએ હાથ ઊંચા કરી મેડિકલ ઓફિસરને પોલીસ કંટ્રોલમાં જાણ કરવા સૂચન કર્યું હતું. દરમિયાન મેડિકલ ઓફિસરે પોલીસ કંટ્રોલમાં જાણ કર્યા બાદ ખટોદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી હતી. જોકે ભ્રુણ કોનું છે એ બાબત શોધી શક્યા ન હતા. એટલે મેડિકલ ઓફિસર સહિતના કર્મચારીઓના નિવેદન લઈ તપાસનો દોર આગળ વધાર્યો હતો. હાલ ખટોદરા પોલીસે ભ્રુણ નું પોસ્ટ મોર્ટમ અને DNA સેમ્પલ લેવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.