સુરતના ડુમસ રોડ પર જાહેરમાં જોખમી સ્ટંટબાજી
ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને જાહેર સુરક્ષાને જોખમમાં મૂકી
લોકોના જીવ જોખમમાં મૂકી સ્ટંટ કરનાર ચાલકને ઝડપ્યો
સુરતના ડુમસ રોડ પર જાહેરમાં જોખમી સ્ટંટબાજી કરવી એક રીક્ષા ચાલકને ભારે પડી છે. લોકોના જીવ જોખમમાં મૂકી સ્ટંટ કરનાર ચાલકને પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી લીધો છે.
મળતી માહિતી મુજબ, ડુમસ રોડ પર એક રીક્ષા ચાલક બેદરકારીપૂર્વક સ્ટંટ કરતો હતો, જેના કારણે રસ્તા પર જતા લોકો અને વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરતા સ્ટંટ કરનાર રીક્ષા ચાલક અશરફ શાહને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢી તેની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લોકપ્રિયતા મેળવવા અને મોજમસ્તી માટે આવી જોખમી હરકતો કરતો હતો. પોલીસે તેની સામે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને જાહેર સુરક્ષાને જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જાહેર રસ્તાઓ પર આવી જોખમી સ્ટંટબાજીથી દૂર રહે અને પોતાની સાથે અન્ય લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખે. સુરત પોલીસની આ ઝડપી કાર્યવાહી સ્ટંટબાજી કરનારાઓ માટે ચેતવણીરૂપ સાબિત થઈ રહી છે.
