સુરતમાં કોકેન ડીલનો પર્દાફાશ
નાઇજિરિયન મહિલા ‘કાલી’ મુખ્ય સૂત્રધાર
બે આરોપી ઝડપાયા અને ત્રણ વોન્ટેડ
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતમાં અડાજણ વિસ્તારમાંથી કોકેન વેંચવાની તૈયારીમાં ફરી રહેલા બેને ઝડપી પાડ્યા હતાં.તો આ કોકેન મુંબઈથી નાઈજિરિયન મહિલા કાલીએ મોકલ્યો હોવાનું બહાર આવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
સુરત શહેરમાં નશાની ખેપ ચલાવતું એક મોટું કોકેન સિન્ડિકેટ પર્દાફાશ થયું છે, જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે નાઇજિરિયન મહિલા કાલીનો ભેદ ખુલ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરેલી આ કાર્યવાહીમાં બે યુવાનો મિતેશ પાંડે અને ચેતન પરમારને પકડવામાં આવ્યા છે, જ્યારે નાઇજિરિયન મહિલા કાલી સહિત ત્રણ આરોપી હજુ ફરાર છે. કોકેન ડીલના આ કેસમાં 8.490 ગ્રામ કોકેન, ત્રણ મોબાઈલ ફોન, રોકડ રકમ, એક યામાહા સ્કૂટર સહિત કુલ રૂ. 11,50,020નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે નાઇજિરિયન મહિલા કાલી મુંબઈના વસઈ વિસ્તારમાં રહે છે અને તેણે સુરતના બંને યુવકોને કોકેન સપ્લાય કરી હતી. કાલીએ કોકેન પહોંચાડવા માટે પોતાના સાથી રાજેશ પ્રસાદને સુરત મોકલ્યો હતો, જેની માધ્યમથી મિતેશ અને ચેતન સુધી કોકેન પહોચાડવામાં આવ્યું હતું. આ બંને આરોપી સુરતના અડાજણ વિસ્તારમાં કોકેન વેચવાની તૈયારીમાં હતા, ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ઓમેગા હોસ્પિટલની બાંધકામ હેઠળની બિલ્ડિંગ પાસે રેડ કરીને બંનેને રંગે હાથે ઝડપી લીધા હતાં. વધુમાં કાલી ન માત્ર કોકેન સપ્લાય કરતી હતી, પણ સંપૂર્ણ નેટવર્ક ચલાવતી હતી, જેમાં તે સુરત જેવા શહેરોમાં પણ પોતાની પ્રવૃત્તિઓનું વિસ્તરણ કરી રહી હતી. હાલ તે ફરાર છે અને પોલીસ તેની શોધમાં લાગી ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ હવે કાલી અને તેના ગુનાહિત નેટવર્કના મુંબઈથી સુરત સુધીની તમામ કડી શોધી રહી છે. કાલી સાથે સંકળાયેલા બાકીના આરોપીઓમાં રાજેશ પ્રસાદ, જે કોકેનનો ડિલિવરી મેન હતો, અને યશ બુંદેલા જે સંભવિત ખરીદદાર છે, તેઓને પણ વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે તમામ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી શરૂ કરી છે.