સીએમ ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાના પ્રવાસે.
કૃષિ યુનિવર્સિટીથી વિકસિત કૃષિરથનું પ્રસ્થાન કરાવ્યું.
વિકસિત ખેડૂતોને કૃષિ કીટ આપી સન્માનિત કરાયા.
આણંદ કૃષિ યુનિવર્સિટીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. આ અભિયાન 29 મે થી 12 જૂન સુધી ચાલશે. રાજ્યના 235 તાલુકાના 2951 ક્લસ્ટરમાં 3.50 લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે. રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટી અને 30 કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞો ગામડે-ગામડે જશે. તેઓ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, આધુનિક ખેતી અને જળવાયુ અનુકૂલ પદ્ધતિઓનું માર્ગદર્શન આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટીથી કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્યના ખેડૂતો માટે ઘરેબેઠા ગંગાનો અવસર ગણાવતા જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે નવિન શોધ-સંશોધનની માંગને પારખીને આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના શ્રેષ્ઠ ઉપયોગથી નેનો યુરીયા ખાતર અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે કેવી રીતે કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે પૂરું પાડ્યું છે. જો ખેડૂતનું અને કૃષિ ક્ષેત્રનું તથા ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છાશક્તિ હોય તો કેવા બદલાવ લાવી શકાય તે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વીજળી અને નર્મદાનું પૂરતું પાણી સિંચાઈ માટે આપીને પુરવાર કર્યું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક વધુ લઈ શકાય, વેલ્યૂ એડિશન કરીને કેવી રીતે વધુ કિંમત મળે, એ બધી સમજ સામે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ તેમણે કૃષિ મહોત્સવથી અપનાવ્યો હતો એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.
આણંદ કૃષિ યુનિવર્સિટી ઝોનના 9 જિલ્લાના 793 ગામના 1.02 લાખ ખેડૂતો લાભ મેળવશે. સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીના 7 જિલ્લાના 465 ગામના 80 હજાર ખેડૂતો સામેલ થશે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળના 10 જિલ્લાના 933 ગામના 1.20 લાખ ખેડૂતો અને નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનના 7 જિલ્લાના 760 ગામના 71 હજાર ખેડૂતોને આવરી લેવાશે તેમજ તજજ્ઞો ખેડૂતોને નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર અને સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગની માહિતી આપશે. સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણ યોજનાઓથી માહિતગાર કરશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ અભિયાન કૃષિ ઉત્પાદન વધારવા અને ખેડૂતોની આત્મનિર્ભરતા માટે મહત્વપૂર્ણ બનશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી