ભાવનગરના પચ્છેગામમાં મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
નવનિર્મિત ભગવાન મુરલીધર દાદાના મંદિરના મહોત્સવની ઉજવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું સોમનાથ ભારતની આત્મશક્તિ અને આસ્થાનું પ્રતિક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવ અને શ્રીમદ્ ભાગવત કથામાં હાજરી આપી હતી. તેમણે વિશ્વપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાની કથાનો લાભ લીધો હતો. મુખ્યમંત્રીએ કથાના આયોજન બદલ ગોહિલ પરિવાર સેવાભાવી ટ્રસ્ટ અને શ્રદ્ધાળુ ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા
વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવ અને શ્રીમદ્ ભાગવત કથામાં હાજરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર, સમર્પણ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. તેમણે કહ્યું કે મંદિર માત્ર ઈંટ-પથ્થરની ઇમારત નથી, પરંતુ તે અખંડ આસ્થા, શ્રદ્ધા અને સંસ્કૃતિનું પ્રતીક છે. મુખ્યમંત્રીએ વિશ્વના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના અડગ સ્વાભિમાનને યાદ કરતાં જણાવ્યું કે અનેક આક્રમણો છતાં અવિચળ રહેલું સોમનાથ ભારતની આત્મશક્તિ અને આસ્થાનું પ્રતિક છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે આધુનિકતા અને ટેકનોલોજીના યુગમાં પણ આધ્યાત્મિકતા જરૂરી છે. શ્રીમદ્ ભાગવત અને ભગવદ્ ગીતા જીવનમાં મૂલ્યો અને માર્ગદર્શન આપે છે. તેમણે ભગવાન શ્રીકૃષ્ણના દ્વારિકા નિવાસ અને ધર્મ-કર્તવ્યનિષ્ઠ જીવનના આદર્શને પણ યાદ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સનાતન સંસ્કૃતિ અને વિરાસતના ગૌરવને વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે. તેમણે ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવા માટે સમાજના દરેક વર્ગને સંસ્કાર અને સમર્પણ સાથે આગળ વધવા હાકલ કરી હતી. આ પ્રસંગે ગાયત્રી આશ્રમ ગધેથડના પૂજ્ય લાલબાપુ દ્વારા વ્યસનમુક્તિ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આ અભિયાનને યુવાનો માટે પ્રેરણાદાયી ગણાવી તેની સરાહના કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
