સુરતમાં આકસ્મિક મોતની ઘટનાઓ વચ્ચે 18 વર્ષના યુવકનું મૌત
જુગાર રમી રહેલા ચાર પાંચ મિત્રો વચ્ચે જુગારના રૂપિયા બાબતે ઝઘડો
યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
સુરતમાં આકસ્મિક મોતની ઘટનાઓ વચ્ચે ઈચ્છાપોર વિસ્તારમાં એક મકાનમાં જુગાર રમી રહેલા ચાર પાંચ મિત્રો વચ્ચે જુગારના રૂપિયા બાબતે ઝઘડો થતાં એક 18 વર્ષના યુવકને અન્ય એક મિત્ર દ્વારા બાથમાં ભીડી લેતા બેભાન થઈને ઢળી પડ્યો હતો. ત્યારબાદ આ યુવકને હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો હતો. હાલ તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલ અને ઈચ્છાપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી રાખલ નગર કોલોનીમાં 18 વર્ષીય સંતોષ સંજયભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં ત્રણ ભાઈ છે. સંતોષ ખેતરમાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો. ગતરોજ સાંજના પાંચેક વાગ્યે સંતોષ તેના મિત્ર સની વિજય ગૌતમ અને તેના બીજા મિત્રો સાથે વસંતકાકાના ઘરના વાડામાં ગંજીપાના રમતા હતા. ત્યારે પૈસા બાબતમાં સંતોષ અને સની વચ્ચે બોલાચાલી થઈ હતી. જુગારન રૂપિયા બાબતે ઝઘડો થતા સનીએ પાછળથી સંતોષને બન્ને હાથથી છાતીના ભાગે પકડી લીધો હતો. ત્યારે સંતોષને ચક્કર આવતા નીચે પડી ગયો હતો. જેથી તેના મિત્ર સાહીલ, કિરણ અને સુઝલ તેને ઉચકીને સાહીલના ઘરે લઈ આવ્યા હતા. સાહીલની મમ્મીએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતા થોડીવારમાં 108 એમ્બ્યુલન્સ આવી જતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબે સંતોષને તપાસીને મૃત જાહેર કર્યો હતો. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
મૃતક સંતોષની પિતરાઈ બહેન દીપિકાએ જણાવ્યું હતું કે, મારો ભાઈ જુગાર રમવા ગયો હતો, ત્યારે મારામારી થઈ અને તેને છાતિના ભાગેથી પકડી લેવામાં આવ્યો હતો. જ્યાં સુધી તે બેભાન ન થઈ ગયો ત્યાં સુધી તેને પકડી રાખ્યો હતો અને ત્યારબાદ તેને ફેંકી દીધો હતો. અમને તો એવી જ જાણ છે કે તેનું ખૂન કર્યું છે. હું જ્યારે પહોંચી ત્યારે સનિ એવું કહ્યું હતું કે, તમામ જવાબદારી મારી રહેશે અને હું હોસ્પિટલ પણ તમારી સાથે આવીશ. પણ 108 બોલાવી ત્યારબાદ તે ભાગી ગયો હતો, જેને પોલીસે પકડી પાડ્યો છે. હાલ તો મૃતક સંતોષના મૃતદેહનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સંતોષના મોતનું સાચું કારણ સામે આવશે. જોકે 18 વર્ષના યુવકનું અકાળે મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. જ્યારે પરિવારજનો આ ઘટનાને અંજામ આપનાર સામે કાર્યવાહી કરાઈ તેવી માંગ કરી રહ્યું છે.