અમરેલી તોરી ગામે કપાસ ખરીદીમાં ખેડૂત સાથે ગોલમાલ
ખેડૂતો પાસે કપાસની ખરીદીમાં વધુ કપાસ લેતા હોવાનો વીડિયો
ખેડૂત પાસેથી 15 મણ વધુ કપાસ પડાવ્યાનો વીડિયો
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના તોરી ગામે કપાસની ખરીદીમાં મોટા પાયે ગોલમાલ અને છેતરપિંડી થતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો વાયરલ થતાં ખેડૂતો સાથે થતી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે.
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના તોરી ગામે કપાસની ખરીદીમાં મોટા પાયે ગોલમાલ અને છેતરપિંડી થતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, કપાસની ખરીદી વખતે એક ગાડી દીઠ 15 મણ જેટલો કપાસ વધુ લેવામાં આવતો હતો. આ ગોલમાલ પાછળ દલાલો અને વેપારીઓના મજૂરોની મોટી કરતૂત હોવાનું સામે આવ્યું છે. આ કરતૂતને કારણે ખેડૂતોને તેમના પાકના વજનમાં મોટું નુકસાન સહન કરવું પડતું હતું. સમગ્ર પ્રકરણ સામે આવતા ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે. કપાસની ખરીદીમાં છેતરપિંડી કરવાની પદ્ધતિ પણ એવી હતી, જેનાથી ખેડૂતોને સીધું નુકસાન થતું હતું. આ દલાલો અને મજૂરો ખાલી ટ્રકનું વજન જાણી જોઈને વધુ દર્શાવતા હતા. એટલે કે, ટ્રકમાં કપાસ ભર્યા બાદ જ્યારે કુલ વજન થતું, ત્યારે તારનું વજન વધુ બાદ થતાં ખેડૂતોના કપાસનું વજન આપોઆપ ઓછું થઈ જતું. ખેડૂતોના આક્ષેપ મુજબ, આ પ્રકારે પ્રત્યેક ફેરામાં 15 મણ કપાસની ચોરી કરવામાં આવતી હતી. આ ગોલમાલનો ભાંડો ફૂટતાં જ ગામના સરપંચ અને જાગૃત ખેડૂતો તાત્કાલિક વેપારી પાસે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે સખત ખુલાસો માંગ્યો હતો, જેના કારણે વેપારીઓ અને દલાલોની મિલીભગત ખુલ્લી પડી હતી.
કપાસની ખરીદીમાં થયેલી આ છેતરપિંડી બાદ તોરી ગામના ખેડૂતો આ મામલાને હવે ગંભીરતાથી લઈ રહ્યા છે. ખેડૂતોએ સર્વસંમતિથી નક્કી કર્યું છે કે આ ગોલમાલ કરનારા વેપારીઓ અને દલાલો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. આ ફરિયાદ દ્વારા ખેડૂતો સાથે થયેલી છેતરપિંડીનો કાયદેસર રીતે હિસાબ લેવામાં આવશે. ખેડૂતોની માંગ છે કે ન માત્ર ફરિયાદ નોંધાય, પરંતુ પોલીસ આ કેસમાં સઘન તપાસ કરીને તમામ આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરે. આ બનાવને કારણે અમરેલી જિલ્લાના અન્ય ખેડૂતો પણ જાગૃત થયા છે અને તેઓ પોતાના પાકની ખરીદીમાં થતી ગોલમાલ અંગે હવે વધુ તકેદારી રાખી રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
