સુરતમાં બોર્ડ ઉત્તરવહી મૂલ્યાંકનમાં 370 શિક્ષકોની ક્ષતિ સામે કાર્યવાહી
બોર્ડે શિક્ષકોને કુલ ₹5.72 લાખનો દંડ ફટકાર્યો
બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીના એક-એક માર્કનું મહત્વ હોય છે, ત્યારે ઉત્તરવહીના મૂલ્યાંકનમાં થયેલી નાની ભૂલ પણ વિદ્યાર્થીના ભવિષ્યને અસર કરી શકે છે. સુરતમાં ગત ફેબ્રુઆરીમાં લેવાયેલ બોર્ડની ઉત્તરવહી ચકાસણી દરમિયાન 370 શિક્ષકોની કામગીરીમાં ક્ષતિ સામે આવતા બોર્ડે કુલ 5 લાખ 72 હજાર 600નો દંડ ફટકાર્યો છે.
ગત ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાયેલી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીના મૂલ્યાંકન બાદ સુરતમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ધોરણ-10ની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરનારા 162 શિક્ષકો, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 104 શિક્ષકો અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 104 શિક્ષકોની કામગીરીમાં ભૂલો નોંધાઈ છે. બોર્ડની નિયમિત ચકાસણી દરમિયાન કુલ 5,726 માર્ક્સની ભૂલો સામે આવી હતી. જેમાં ધોરણ-10માં સૌથી વધુ 2,445 માર્ક્સની ભૂલ, ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 1,350 માર્ક્સ અને વિજ્ઞાન પ્રવાહમાં 1,931 માર્ક્સની ભૂલો સામે આવી છે. મૂલ્યાંકનમાં ગુણ આપવામાં અથવા ગુણના સરવાળામાં ભૂલ કરનાર શિક્ષકો સામે બોર્ડે દંડાત્મક કાર્યવાહી કરી છે. આ તમામ 370 દંડિત શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અને સાત દિવસમાં દંડની રકમ જમા કરાવવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીના પરિણામમાં એક માર્ક પણ મહત્વનો હોય છે, ત્યારે મૂલ્યાંકન પ્રક્રિયામાં ચોકસાઈ અને જવાબદારી કેટલી જરૂરી છે તે આ સમગ્ર મામલો સ્પષ્ટ કરે છે.
