સુરતમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ
પાડોશી યુવકે માસુમના બંને હાથ બાંધી કુકર્મ આચર્યું
ત્રણ દિવસ પહેલાં જ સુરત આવ્યો હતો
પીડિતા હોસ્પિટલમાં દાખલ
સુરતમાં ફરી એકમાસુમ છ વર્ષીય બાળાને નરાધમે શિકાર બનાવી છે. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં છ વર્ષીય માસુમ બાળાને પાડોશી નરાધમ યુવાને બન્ને હાથ બાંધી દુષ્કર્મ આચર્યુ હોવાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. તો પિડીત માસુમ બાળાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ છે.
ઈચ્છાપોર વિસ્તારમાં રહેતા એક પરિવારની છ વર્ષની દીકરી જ્યારે તેના કાકા સાથે ઘરે હતી ત્યારે આ ઘટના બની હતી. બાળકીના માતા ઘરકામ કરે છે અને પિતા મજૂરી કામ કરે છે જેથી બંને પોતપોતાના કામ અર્થે બહાર ગયા હતા. જ્યારે બાળકીના કાકા નાઇટ શિફ્ટમાં નોકરી કરતા હોય અને સવારના સમયે ઘરે આવીને સૂઈ ગયા હતા. પાડોશમાં રહેતા જય મંગળ નામના શખસે એકલતાનો લાભ લઈ બાળકીને ફોસલાવી તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં બાળકીના બંને હાથ બાંધી દીધા અને પ્રાઇવેટ પાર્ટમાં અડપલાં કર્યા હતા. બાળખી દુખાવાના કારણે બુમાબુમ કરવા લાગી ત્યારે આરોપીએ તેને છોડી અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘરમાં પાછી આવીને બાળકીએ રડતા રડતા સમગ્ર ઘટના અંગે પોતાના કાકાને જણાવ્યું હતું. ત્યાર બાદ કાકાએ તાત્કાલિક આ મામલે પરિવારજનોને જાણ કરી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાઈ છે જ્યાં તેની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી જય મંગળ મૂળ બિહારના પટના જિલ્લાનો રહેવાસી છે. ત્રણ દિવસ પહેલાં જ પોતાના વતનથી પાછો સુરત આવીને હજીરા વિસ્તારમાં આવેલી એક કંપનીમાં નોકરીએ જોડાયો હતો. આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તે સુરતમાં એકલો રહેતો હતો. હજીરા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અલગ અલગ પાંચ ટીમો બનાવી દેવાઈ છે. નજીકના વિસ્તારોમાં લાગેલા 50થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા છે. આ સાથે જ આરોપી સાથે પરિચિત એવા લોકોના નિવેદનો લેવાઈ રહ્યા છે જેથી તેની છૂપાવવાની જગ્યાઓ અંગે માહિતી મળી શકે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હોસ્પિટલ પહોંચીને બાળકીની સારવાર અંગે માહિતી મેળવી હતી. ઇચ્છાપોર પોલીસ દ્વારા ગુનાહિત ધોરણે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે બાળકીની વયને ધ્યાનમાં રાખી દુષ્કર્મની કલમ અને પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.