સુરતમાંથી ચોંકાવનારી ઘટના બની
હીરા દલાલે દેવાના બોજ અને માનસિક તણાવને કારણે આપઘાત કર્યો
હીરા દલાલીમાં અંદાજે 50 લાખ રૂપિયાનું નુકસાન
સુરતમાંથી ચોંકાવનારી ઘટના બની છે જેમાં પાટીદાર હીરા દલાલે દેવાના બોજ અને માનસિક તણાવને કારણે આપઘાત કરી લીધો છે. યુવકે આપઘાત પહેલા રડતા રડતા ત્રણ વીડિયો બનાવી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. જેમાં કહ્યું હતું કે લેણદારોના દબાણથી કંટાળ્યો છે અને હવે જીવવું મુશ્કેલ બની ગયું છે. દિવાળી પહેલા હીરા દલાલીમાં અંદાજે 50 લાખ રૂપિયાનું નુકસાન થતા યુવક ભારે ટેન્શનમાં રહેતો હતો.
સુરતમાં ફરી એક ચોંકાવનાર આપઘાતની ઘટના સામે આવી છે. વાત એમ છે કે સુરતમાં પાટીદાર હીરા દલાલ દ્વારા આપઘાત કરવાની ઘટના સામે આવી છે, જે શહેરમાં ચર્ચાનો વિષય બની છે. પાટીદાર યુવક સંદીપભાઈ હિંમતભાઈ ચોડવડિયા પર અંદાજે 50 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું, જેના કારણે તે લાંબા સમયથી માનસિક તણાવમાં હતો. લેણદારો દ્વારા સતત ફોન કરી પૈસા માગવામાં આવતા યુવક વધુ દબાણ અનુભવી રહ્યો હતો. આ તણાવ વચ્ચે યુવકે રડતા રડતા ત્રણ વીડિયો બનાવી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. વિડિયોમાં તેણે જણાવ્યું હતું કે તે હવે આ સ્થિતિમાં જીવવું મુશ્કેલ અનુભવે છે અને લેણદારોને જવાબ આપી શકતો નથી. અંતે યુવકે પોતાની ઓફિસમાં જ ઝેર પીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
