ભાવનગર આખલોલ જગાતનાકા નજીકથી નવજાત શિશુ મળી આવ્યું
108 દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
ભાવનગર શહેરના આખલોલ જગાતનાકા વિસ્તારમાં આવેલી બીએમસી ઓફિસ નજીકથી એક નવજાત શિશુ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા 108 દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
શહેરના ઈન્દિરા નગર વિસ્તારમાં આવેલી બીએમસી ઓફિસ પાસે આજે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા એક નવજાત શિશુને લાવારિસ હાલતમાં મૂકી દેવામાં આવ્યું હતું. નવજાત બાળકને ત્યાં મૂકીને કોઈ અજાણ્યું વ્યક્તિ ફરાર થઈ ગયું હતું. આ વિસ્તારમાં બાળકને જોઈને સ્થાનિક લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. બાળક મળી આવતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવતા જ 108 ઈમરજન્સી મેડિકલ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી,
મેડિકલ ટીમે નવજાત શિશુને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. હાલ તબીબોની દેખરેખ હેઠળ બાળકની સારવાર ચાલી રહી છે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. પોતાનું પાપ છુપાવવા માટે બાળકને ત્યજી દેનાર માતા-પિતા કોણ છે. તે દિશામાં પોલીસ સઘન તપાસ કરી રહી છે
