ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની હેરાફેરીની ચેઈન તોડવા પોલીસની મોટી કાર્યવાહી
સુરતમાં વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા 10 આરોપીઓ સામે ગુજસીટોક
મહારાષ્ટ્રના વિશ્વાસ ભીમરાવ બડોગે તથા તેના 9 સાથીઓ મળી 10 વિરુદ્ધ ગુનો
સ્ટેટ મોનિટરિંગ સેલે ગુજરાતમાં ગેરકાયદે દારૂના રેકેટ ચલાવતી ગેંગ સામે કડક પગલા ભરી મોટી કાર્યવાહીની માહિતી જાહેર કરી છે. પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય તથા રાજ્ય મોનિટરિંગ સેલના વડા આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ આ સંચાલિત ક્રાઇમ સિન્ડિકેટ પર જીસીટીઓસી હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ ટીમે કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે, દારૂના રેકેટ ચલાવતી આ ગેંગ સુવ્યવસ્થિત નેટવર્ક દ્વારા મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાંથી IMFL દારૂ ગુજરાતમાં સપ્લાય કરતી હતી. આ ગેંગના મુખ્ય સાગરિત વિશ્વાસ સામે 82 ગુનાઓ જ્યારે ગેંગના અન્ય આરોપીઓ સામે 15 થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. મુખ્ય સૂત્રધાર તરીકે મહારાષ્ટ્રના વિશ્વાસ ભીમરાવ બડોગે તથા તેના 9 સાથીઓ મળી કૂલ 10 વિરુદ્ધ ધી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે. ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યાં છે. અન્ય રાજ્યોમાંથી ઠાલવવામાં આવતા વિદેશી દારૂનો જથ્થો અનેક વખત પકડાતો હોય છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના SP મયુર ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં વિદેશી દારુ અને નાર્કોટિક્સ પદાર્થોની ઘૂસણખોરી થઈ રહી છે જેના સપ્લાયની ચેઈન તોડવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ આગળની તપાસમાં વધુ નેટવર્ક, રૂટ અને નાણાકીય વહેચણી અંગે ખુલાસા થવાની શક્યતા છે. રાજ્ય મોનિટરિંગ સેલે જણાવ્યું કે, આવી ગેંગો સામે રાજ્યસ્તરે કડક અભિયાન ચાલુ રહેશે. આ ગેંગ સામે આજે GCTOC હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જે રાજ્યમાં ગેરકાયદે દારૂના રેકેટ સામેની સૌથી કડક કાર્યવાહીમાંની એક માનવામાં આવી રહી છે. ગુજરાતમાં દારુ અને નાર્કોટિંક્સના સપ્લાયની ચેઈન તોડવાનો જે ટાર્ગેટ હતો તેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત અને તેની આસપાસના વિસ્તારમાં દારુ સપ્લાય કરતા 10 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
