ભાવનગર ખારગેટ વિસ્તારમાં શહિદ સ્મારકને નુકસાન પહોંચાડી ફરાર
સરદાર પટેલનો જીવ બચાવવા પ્રાણનું બલિદાન આપનારનું સ્મારક
ભાવનગર શહેરના ખારગેટ વિસ્તારમાં આવેલ બે શહીદ સ્મારકને કોઈ અજાણ્યા વાહન ચાલકે નુકસાન પહોંચાડી ફરાર થઈ જતા લોકોમાં રોષ ફેલાયો છે
ભાવનગર શહેરમાં વીરપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ મુલાકાતે આવ્યા હોય એ દરમિયાન તેમના પર હુમલો થયો હતો. એ હુમલા વખતે ભાવનગરના બચુ પટેલ અને જાદવભાઈ ગિરધરભાઈ મોદી નામના બે સાહસિકોએ પોતાનો જીવ જોખમમાં મૂકી સરદાર પટેલની રક્ષા કરી હતી. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બચુભાઈ પટેલ અને જાદવભાઈ મોદીનું મૃત્યુ થયું હતું. આ બંને શહીદોની યાદમાં શહેરના ખારગેટ ખાતે બંને શહીદોની યાદમાં શહીદ સ્મારક બનાવવામાં આવ્યું હતું. આજરોજ કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન સ્મારક સાથે અથડાવી સ્મારકને નુકસાન પહોંચાડ્યું હતું અને વાહન સાથે ફરાર થઈ ગયો હતો. સ્મારક તૂટેલી હાલતમાં જોતા શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો છે અને તૂટેલું શહીદ સ્મારક તત્કાલ દુરસ્ત કરવા અને માર્ગને નુકસાન પહોંચાડનાર વાહનચાલક વિરુદ્ધ કાયદાકીય પગલા લેવાની માંગ કરી રહ્યા છે..
