નવસારી બીલીમોરામાં ચોરને પકડવા પોલીસનું દિલધડક ઓપરેશન.
આરોપીને પકડવા બીલીમોરાના પી.આઈ. અંબિકા નદીમાં કુદયા
પોલીસે નદીના મધ્યમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો
ગણદેવી તાલુકાના દેસરા ગામે આવેલા મંદિરમાં ચોરી કરીને ભાગી રહેલા આરોપીઓને પકડવા માટે બીલીમોરા પોલીસે સાહસિક ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસથી બચવા માટે ચોરો અંબિકા નદીમાં કૂદી પડ્યા હતા, જેમની પાછળ બીલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને જવાનોએ પણ નદીમાં ઝંપલાવ્યું હતું. સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે નદીના મધ્યમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
ગણદેવી તાલુકાના દેસરા ગામે આવેલા પૌરાણિક મંદિરમાં આ ઘટના બની હતી. તસ્કરોએ મંદિરમાં ચોરી કર્યા બાદ ગ્રામજનો જાગી ગયા હતા અને તેમણે ચોરોનો પીછો કર્યો હતો. પોલીસથી બચવા માટે ચોરોએ અંબિકા નદીના વહેણમાં છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતાં જ બીલીમોરા પોલીસ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આરોપીઓને પકડવા માટે બીલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈએ પોતે પહેલ કરી હતી. તેઓ પોલીસ જવાનો અને સ્થાનિક તરવૈયાઓ સાથે નદીના પાણીમાં ઉતર્યા હતા. નદીના પટ્ટમાં ફિલ્મી ઢબે પીછો કરીને આખરે એક આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી, આ મામલે બીલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઇ જયદીપસિંહ ચાવડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ચોર મંદિરમાં ચોરી કરીને બચવા માટે નદીમાં કુદયો છે તેની જાણ થતા મેં પણ નદીમાં સ્ટાફ સાથે છલાંગ લગાવી હતી અમારો યુનિફોર્મ પણ કાદવ વાળો થઈ ગયા હતા તેમ છતાં પણ બંને આરોપીઓને ઝડપી પાડવા માટે સફળતા મળી હતી.
સમગ્ર ઘટનાના ડ્રોન વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં પોલીસની આ સાહસિક કામગીરી સ્પષ્ટ દેખાઈ રહી છે. ચોરીનો મુદ્દામાલ આરોપીઓએ નદીમાં ફેંક્યો હોવાની શંકાને આધારે પોલીસે નદીના પટ્ટમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ સાહસિક ઓપરેશનની જાણ થતાં જ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. હાલ ઝડપાયેલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
