સુરતમાં તાપી નદીમાં બની રહેલ ઇન્ટેકવેલ ઝૂકતાં જોખમ
આપ નેતા રામ ધડુક અને કોર્પોરેટર મહેશ અણઘણે સ્થળ મુલાકાત કરી
ભુલ હોય તેની સામે કડક પગલાન માંગ કરાઈ
તાપી નદીમાં બની રહેલ ઇન્ટેકવેલ ઝૂકતાં જોખમ વધ્યું હોય તેમ લાગતા આપ નેતા રામ ધડુક અને કોર્પોરેટર મહેશ અણઘણે સ્થળ પર જઈ સ્થિતિની ગંભીરતાને જાણી તાત્કાલિક જેની પણ આમા ભુલ હોય તેની સામે કડક પગલાન માંગ કરાઈ હતી.
સુરતમાં તાપી નદીમાં બની રહેલ ઇન્ટેકવેલ એક તરફ ઝૂકી ગયો છે. જે સંદર્ભે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક અને સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે સ્થળ પર જઈને પરિસ્થિતિને ગંભીરતા જાણી હતી. આ મુદ્દા પર આપ નેતા રામ ધડુકે જણાવ્યું હતું કે સુરતમાં પાણી માટે કરોડોના ખર્ચે ઇન્ટેકવેલ બનાવવામાં આવી રહ્યો છે. ચોમાસુ દરમિયાન કામગીરી ચાલી રહી હતી અને ચોમાસા દરમિયાન આનું સ્ટ્રક્ચર ત્રણથી પાંચ ડિગ્રી એક તરફ નમી ગયું હતું. ચોમાસા બાદ ફરી એકવાર નવું કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કરવામાં આવ્યું અને અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે અહીંયા ઘણી ટેકનીકલ ખામીઓ થઈ રહી છે. વધુમાં આપ નેતા રામ ધડુકે જણાવ્યું કે, જો આ કામને આગળ વધારવામાં આવશે તો ભવિષ્યમાં મોટી ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે.
આવનારા સમયમાં હાઇડ્રોલિક પંપો, મશીનોના ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ સહિત બીજી ઘણી બધી ટેકનીકલ સમસ્યાઓ સર્જાઈ શકે છે. જો આજ રીતે સ્ટ્રક્ચરનું કામ પૂરું કરવામાં આવ્યું તો ભવિષ્યમાં કહી દેવામાં આવશે કે તાપી નદીના પૂરના કારણે આ સ્ટ્રક્ચરને ખૂબ મોટું નુકસાન થયું છે, જનતાના કરોડો – અબજોનું આંધણ થઇ જશે. જવાબદાર તમામ સત્તાધીશોને રામ ધડુકે અપીલ કરી હતી કે હાલ આ ઇન્ટેકવેલનો સ્ટ્રકચરલ રિપોર્ટ બનાવવો જોઈએ અને હાઇડ્રોલિક એન્જિનિયરોનું સ્પોટ વિઝીટ પણ કરાવવું જોઈએ અને એમના દિશા નિર્દેશો બાદ જ આ કામગીરીને આગળ વધારવી જોઈએ એવી અમારી માંગ છે. કારણ કે જો આવી જ રીતે જો યોગ્ય સંભાળ રાખ્યા વગર કામકાજ શરૂ કરવામાં આવશે તો આ સ્ટ્રક્ચર સુરત શહેરને કામમાં આવશે નહીં. માટે આ મુદ્દે હાલ જ તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જેની પણ આમાં ભૂલ હોય તેમની સામે કડક પગલાં લેવામાં આવે.
સુરત મહાનગર પાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે સરથાણા વિસ્તારમાં ચાલી રહેલા ઇન્ટેકવેલના કામમાં ગંભીર અનિયમિતતાઓ અને ટેકનિકલ ખામીઓ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે સરથાણા વિસ્તારમાં નવા ભળેલા વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા અંદાજે એક વર્ષથી ઇન્ટેકવેલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હાલ જે ઇન્ટેકવેલ બનાવવામાં આવ્યો છે, તેમાં ગંભીર ટેકનિકલ ખામીઓના કારણે આખો ઇન્ટેકવેલ નમી ગયો હોવાનું જોવા મળી રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓ પાસેથી માહિતી મળી છે કે આ ઇન્ટેકવેલ ઘણા સમય પહેલા જ નમી ગયો હતો, છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. અમારી સ્થળ મુલાકાત દરમિયાન પણ આ ખામી સ્પષ્ટ રીતે જોવા મળી છે. આ ખામી એક સામાન્ય ભૂલ નહીં પરંતુ મોટી ટેકનિકલ બેદરકારી ગણાય છે. તો આપ કોર્પોરેટર મહેશ અણઘણે વધુમાં જણાવ્યું કે કરોડો રૂપિયાના ખર્ચે થતી આ પ્રકારની કામગીરીમાં આવી ગંભીર બેદરકારી ચિંતાજનક છે. આખા તાપી પટ્ટામાં જેટલા પણ ઇન્ટેકવેલ અથવા ફેન્સ વેલ બનાવવાના કામો છે, તે તમામ યુનિક કન્સ્ટ્રક્શન દ્વારા જ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સત્તાધારી પક્ષની ગંભીર ભૂમિકા પર પણ સવાલ ઊભા થાય છે.
