ભાવનગર એલસીબીએ વોટ્સએપ ગ્રુપ ચલાવતા બે શખ્સોને ઝડપી પાડ્યા
જૂની કલેક્ટર કચેરી પાસે અધિકારીઓની હિલચાલ પર રાખતા હતા નજર
‘જય રામાધણી’ નામના વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા હતા માહિતી
એસડીએમ સહિતના અધિકારીઓની ગાડીઓની અવરજવર અંગે ઓડિયો મેસેજથી આપતા હતા જાણકારી
ગ્રુપના સભ્યો પાસેથી દર મહિને ₹1,000 વસૂલતા હોવાનો પોલીસનો ખુલાસો
ભાવનગરમાં ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓને સરકારી અધિકારીઓની હિલચાલની માહિતી પહોંચાડતા બે શખ્સોને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીઓ વોટ્સએપ પર ‘જય રામાધણી’ નામનું ગ્રુપ ચલાવતા હતા અને અધિકારીઓની ગાડીઓની અવરજવર પર નજર રાખીને ઓડિયો મેસેજ દ્વારા માહિતી શેર કરતા હતા. આ કામના બદલામાં ગ્રુપના સભ્યો પાસેથી દર મહિને એક હજાર રૂપિયા વસૂલતા હોવાનો ખુલાસો થયો છે.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ખનન માફિયાઓને મદદરૂપ થતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસને સૂચના મળી હતી કે કેટલાક શખ્સો ગેરકાયદેસર ખનન કરતા તત્વોને મદદ કરવા માટે સરકારી અધિકારીઓની હિલચાલ પર નજર રાખી રહ્યા છે. 29 ઓક્ટોબર 2026ના રોજ જૂની કલેક્ટર કચેરીના દરવાજા પાસે બે શખ્સો પ્રાંત અધિકારી અને અન્ય સરકારી અધિકારીઓની અવરજવર પર વોચ રાખી રહ્યા હોવાની શંકા પ્રાંત અધિકારીને ગઈ હતી. જેથી પોલીસને જાણ કરવામાં આવતા LCBની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ ‘જય રામાધણી’ નામનું વોટ્સએપ ગ્રુપ ચલાવતા હતા. આ ગ્રુપમાં ખનિજ ખોદકામ અને હેરફેર સાથે સંકળાયેલા લોકોને જોડવામાં આવ્યા હતા. આરોપીઓ SDM સહિતના સરકારી અધિકારીઓની ગાડીઓની અવરજવર પર નજર રાખીને ઓડિયો મેસેજ મારફતે ગ્રુપમાં માહિતી પહોંચાડતા હતા. આ કામગીરીના બદલામાં ગ્રુપના દરેક સભ્ય પાસેથી દર મહિને એક હજાર રૂપિયા વસૂલતા હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસે ભગીરથસિંહ નરેન્દ્રસિંહ વાળા અને રોહિતભાઈ અભુભાઈ રાઠોડની અટકાયત કરી છે. તેમની પાસેથી એક હોન્ડા મોટરસાઇકલ અને એક વિવો મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી એમ.ડી. પરમારની ફરિયાદના આધારે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
