સુરત રેલવે સ્ટેશન પરથી તમાકુ અને પાનમસાલાનો મોટો જથ્થો ઝડપાયો
બિલ અને આધાર પુરાવા વગર લઈ જવાતો 4.78 લાખનો જથ્થો કબજે
રેલવે પોલીસની વોચ દરમિયાન ચાર શંકાસ્પદ શખ્સો ઝડપાયા
ચાર મોબાઇલ સહિત કુલ રૂ. 4.82 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
સુરત રેલવે સ્ટેશન પરથી બિલ અને આધાર પુરાવા વગર લઈ જવાતો તમાકુ અને પાનમસાલાનો મોટો જથ્થો ઝડપાયો છે. રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીની ટીમે વોચ દરમિયાન ચાર શંકાસ્પદ શખ્સોને ઝડપી તપાસ હાથ ધરી 19 થેલાં અને ટ્રોલી બેગમાંથી અલગ-અલગ બ્રાન્ડના તમાકુ-પાનમસાલાનો 4.78 લાખનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે ચાર મોબાઇલ સહિત 4.82લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
ઈન્ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક રેલવેઝની ટીમને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન મારફતે મુંબઈ તરફ તમાકુ-પાનમસાલાનો જથ્થો લઈ જવાના છે. આ બાતમીના આધારે બપોરે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2ના ઉધના તરફના છેડા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ચાર શંકાસ્પદ શખ્સો પાસેથી 19 થેલાં અને ટ્રોલી બેગમાં રાખેલો અલગ-અલગ બ્રાન્ડનો તમાકુ અને પાનમસાલાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 4.78 લાખથી વધુનો માલ અને ચાર મોબાઇલ ફોન સહિત 4.82 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને પોલીસે ચારેય આરોપીઓ તોહીદખાન, સહારોજઅલી મન્સુરી, કાસાનઅલી અને સીબુખાન પઠાણને વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
