દાહોદ જિલ્લા સેવા સદનમાં સિવિલ ડિફેન્સ અંગે પત્રકાર પરિષદ યોજાઈ
નાગરીકો સતર્ક અને સજાગ રહે એ માટે સિવિલ ડિફેન્સ સેટઅપની તૈયારીઓ શરૂ
આસપાસ નવા ચહેરા દેખાય તો પોલીસને જાણ કરવી
ડીજે, ડ્રોન અને ફટાકડાના ઉપયોગ ટાળવા અને સતર્ક રહેવા સૂચન
દાહોદ જિલ્લામાં નાગરિક સંરક્ષણ દળમાં (સિવિલ ડિફેન્સ) સ્વયં સેવક તરીકે જોડાવા નોંધણી કરાશે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે સિવિલ ડિફેન્સને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં હાલની પરિસ્થિતિને પહોંચી વળવા માટે નાગરિકોને તૈયાર કરવા માટેના માર્ગદર્શન સહિત ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી.
કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, દાહોદના નાગરિકો પણ માનવ સર્જિત અથવા કુદરતી આફત માટે તૈયાર રહે તે ખુબ જ જરૂરી છે. હાલ યુદ્ધની પરિસ્થિતિને લઈને દરેક નાગરિક જાગૃત રહે, સચેત બને અને કોઇપણ કઠીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહે એ માટે દરેક નાગરિક સ્વયં સેવક બનીને દેશ સેવા માટે પોતાનાથી બનતા પ્રયત્નો કરે અને નાગરીકોનો સાથ-સહકાર તંત્ર અને સરકારને મળે એ અગત્યનું છે. દાહોદ પોલીસ અધિક્ષક. રાજદિપસિહ ઝાલાએ કહ્યું હતું કે, આંતરિક યુદ્ધ એ આપણા દેશને અંદરથી ખોખલું કરી નાખે છે, આપણી આસપાસ નવા ચહેરા જોવાય તો તરત જ પોલીસને જાણ કરવી. દરેક નાગરિક સતર્ક રહીને સાથ – સહકાર આપે તે ખુબ અગત્યનું છે. દરેક સીટીઝન સ્વયં શિસ્તતા દાખવે તે પ્રાથમિકતા જરૂરી છે. દાહોદવાસીઓએ પોતાની આસપાસ કોઈ નવી તેમજ શંકાસ્પદ વ્યક્તિ આવ્યા હોવાની જાણકારી તરત જ પોલીસને આપે એ મહત્વનું છે. દેશના નાગરિકોને દેશસેવા માટે તૈયાર કરવાના છે. યોગ્ય ટીમ યોગ્ય સમયે પહોંચે તે રીતે પ્લાનીગ કરી એકબીજાના આંતરિક સહયોગ થકી કામ થાય તે મુજબ કામગીરી કરવાની રહેશે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ, ફાયર તેમજ આરોગ્ય વિભાગને પ્રાયોરીટી આપી કામગીરી કરવી. આ પરિષદમાં અધિકારીશ્રીઓ સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકા લેવલના અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા…..