ભાવનગરની 41 મી ભગવાન જગન્નાથજી રથયાત્રાની તડામાર તૈયારીઓ પૂર્ણ
સોળમી જુલાઈએ સુભાષનગરથી પ્રસ્થાન કરશે રથયાત્રા,
વિવિધ આકર્ષણો સાથે લાખો શ્રદ્ધાળુઓ જોડાશે
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની એકતાલીસમી રથયાત્રાને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રથયાત્રા સમિતિએ પત્રકાર પરિષદ યોજી રથયાત્રાના આયોજન, રૂટ અને વિવિધ આકર્ષણોની માહિતી આપી હતી.
ભાવનગરમાં સોળમી જુલાઈના રોજ સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ અને જગન્નાથજી મંદિરથી ભગવાન જગન્નાથજીની એકતાલીસમી રથયાત્રા ભવ્ય રીતે નીકળશે. રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ વિવિધ મંદિરો અને વિસ્તારોમાં ભક્તોને દર્શન આપશે. રથયાત્રા સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું કે આ વર્ષે ભગવાનના રથને આકર્ષક ફૂલોની સજાવટ, નવા વાઘા અને સાફાથી શણગારવામાં આવ્યો છે. રથયાત્રામાં મીની ટ્રેન, નાસિક ઢોલ, અખાડાઓના કરતબ, જીમ્નાસ્ટિક, સ્કેટિંગ, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના ફલોટ તથા જનજાગૃતિના સંદેશ આપતા કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહેશે.
ભગવાનના દર્શન માટે શહેરભરમાં સ્વાગત દ્વાર, ધજા-પતાકા અને રોશનીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. રથયાત્રા દરમિયાન સુરક્ષા, ટ્રાફિક અને સફાઈ માટે પોલીસ, મહાનગરપાલિકા અને રથયાત્રા સમિતિના સ્વયંસેવકો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ સમગ્ર રથયાત્રાનું યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે….
