સુરતના કાપોદ્રા ચીકુવાડી વિસ્તારમાં ઉગ્ર વિરોધ
આંગણવાડીનો સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો
આંગણવાડી બનાવવાથી ટ્રાફિક સહિત અનેક ગંભીર સમસ્યાઓ
સુરતના કાપોદ્રા ચીકુવાડી વિસ્તારમાં ટીપી-20 ખાતે બની રહેલી આંગણવાડીનો સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે આ સ્થળ બાળકો માટે સુરક્ષિત નથી અને અહીં આંગણવાડી બનાવવાથી ટ્રાફિક સહિત અનેક ગંભીર સમસ્યાઓ ઊભી થશે.
સુરતના કાપોદ્રા ચીકુવાડીના ટીપી 20 વિસ્તારમાં નિર્માણાધીન આંગણવાડી સામે સ્થાનિક રહેવાસીઓએ સુરત મહાનગર પાલિકાને લેખિત રજૂઆત કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે આ સ્થળે એમ્બ્યુલન્સ, 108 સહિત ભારે વાહનવ્યવહાર રહેતો હોવાથી બાળકો માટે જોખમ ઉભું થઈ શકે છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ મંદિર નજીક અને સતત ટ્રાફિકવાળા વિસ્તારમાં આંગણવાડી બનાવવી યોગ્ય નથી. આ સ્થળ બાળકોની સુરક્ષા માટે અયોગ્ય હોવાથી નિર્માણ કાર્ય તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. સ્થાનિકોએ વધુમાં આક્ષેપ છે સાથે કહ્યુ હતુ કે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા ફરીથી કામ શરૂ કરાવી દેવામાં આવે છે. જો તાત્કાલિક કામગીરી બંધ નહીં કરવામાં આવે તો સમગ્ર સોસાયટી દ્વારા ઉગ્ર વિરોધ અને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
