સુરત પિપલોદમાં વધુ એક આગની ઘટના
મહિમા હાઈટ્સ નામના હાઈરાઈઝ એપાર્ટમેન્ટના 10મા માળે આગ
10 મા માળે આગ લાગતા ભાગદોડ મચી
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પિપલોદ ખાતે મહિમા હાઈટ્સ નામના હાઈરાઈઝ એપાર્ટમેન્ટના 10 મા માળે આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.
સુરતમાં આગના બનાવો રોજેરોજ સામે આવી રહ્યા છે ત્યારે સુરતના પિપલોદના મહિમા હાઈટ્સ હાઈરાઈઝ એપાર્ટમેન્ટના 10મા માળે આવેલા ફ્લેટના હોમ થિયેટર રૂમમાં શોર્ટસર્કિટના કારણે અચાનક ભીષણ આગ લાગી હતી. આગના કારણે ફ્લેટમાં રહેલું ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક સાધનો બળીને ખાખ થઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ધુમાડાના ગોટેગોટા વચ્ચે મજુરા અડાજણ અને વેસુ ફાયર સ્ટેશનના જવાનોએ ટર્ન ટેબલ લેડરની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે સદનસીબે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે આગ અન્ય ફ્લેટોમાં ફેલાતી અટકી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી.
