સુરતમાં 9 લાખની છેતરપિંડીનો આરોપી 9 વર્ષ બાદ ઝડપાયો
ભુજમાં ખોદકામ દરમિયાન મળેલું સોનું સસ્તામાં વેચવાનું કહી એક
કિલો પીળી ધાતુની બિસ્કિટ આપી પૈસા ખંખેરી ફરાર હતો
સુરત શહેરની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નવ વર્ષ જૂના છેતરપિંડીના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને આખરે ક્રાઈમ બ્રાંચે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે. આ કેસમાં આરોપીએ ભુજમાં મિત્રને ખોદકામ વખતે સોનું મળ્યું હોવાનું કહી એક નાગરિક પાસેથી 9 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને ત્યારબાદ નાસી ગયો હતો. ફરિયાદીને એક કિલો જેટલી બનાવટી પીળી ધાતુની બિસ્કિટ આપી ફરાર થઈ ગયો હતો.
ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2016માં સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા ધર્મેશભાઈ બાલુભાઈ રામાણી મજૂરીનો ધંધો કરતા હતા. તેમની સાથે કામ કરવા આવેલા મહેશ ઢેડુએ તેમને લલચાવતી વાત કરી કે, કચ્છના ભુજ વિસ્તારમાં ખોદકામ દરમિયાન તેના મિત્રને સોનું મળ્યું છે, જે તે સસ્તામાં વેચવા ઈચ્છે છે. આવી લોભામણા વાતોથી મહેશ ઢેડુએ ફરિયાદી ધર્મેશભાઈ સાથે પોતાના સાગરીતની ફોન પર વાત કરાવી અને ઓરીજનલ સોનાનો નમૂનો આપી વિશ્વાસ જીત્યો. ત્યારબાદ તેણે વધુમાં એક કિલો જેટલી બનાવટી પીળી ધાતુની બિસ્કિટ આપી અને તેના બદલામાં ફરિયાદી પાસેથી 9 લાખ રૂપિયા મેળવી લીધા હતાં. ઘટનાના દિવસથી આરોપી નાસતો ફરતો હતો, પરંતુ સુરત ક્રાઈમ બ્રાંચના જવાનોએ ગુપ્ત બાતમીના આધારે એમપીના અંધારકાસ ગામે જઈ તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપી મહેશ મજૂરીનું કામ કરી રહ્યો છે. જેથી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બખતગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ચીકોડા ગામેથી 9 વર્ષથી વોન્ટેડ આરોપી એવા સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટના મહેશ ઉર્ફે ઢેડુ હમરીયા તોમર ને દબોચી લેવામાં આવ્યો હતો. હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે કાપોદ્રા પોલીસ સ્ટેશનના હવાલે કરાયો છે.