સુરતમાં ખાનગી શાળાઓ દ્વારા નક્કી કરેલા સ્ટોર્સથી સામાન ખરીદવા વાલીઓને દબાણ
સ્કૂલ મારફત ચાલતા આ વેપારને અટકાવવા માટેનાં જરૂરી પગલાં લેવા સૂચન
ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસીએશન દ્વારા આવેદન પત્ર અપાયુ
સુરતમાં ખાનગી શાળાઓ દ્વારા સ્ટેશનરી શાળાઓ મારફતે અથવા નક્કી કરેલા સ્ટોર્સ પરથી જ ખરીદવાની વાલીઓને ફરજ પાડવામાં આવતી હોય જે શાળાઓની મરજી મુજબ કિંમત વધારી આપતા હોય જેથી આવી દાદાગીરી તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી માંગ સાથે ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસીએશન દ્વારા આવેદન પત્ર અપાયુ હતું.
સુરત કલેકટરને ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસીએશન દ્વારા અપાયેલા આવેદન પત્રમાં જણાવાયુ હતું કે સુરતની ઘણી ખાનગી શાળાઓ સ્કૂલ સ્ટેશનરી, તેઓની શાળા મારફત અથવા તો તેમના નક્કી કરેલા સ્ટોર્સ ઉપર થીજ ખરીદવાની વાલીઓને ફરજ પાડે છે. એવુ પણ જાણવા મળ્યું છે કે કંપનીઓ પણ ઘણી વસ્તુઓની કિંમત પણ શાળાઓની જરૂરિયાત મુજબ વધારીને આપતી હોય છે. આ સદંતર ખોટું છે. શાળા સંચાલકો આ રીતે સ્કૂલમાં વેપાર ન કરી શકે. બીજું કે આને લીધે સુરતનાં તમામ સ્ટેશનરી વિક્રેતાઓનાં ધંધા પર આર્થિક અસર થાય છે. અને વાલીઓને વધુ પડતો ખર્ચ પણ કરવો પડે છે, કારણ કે વાલીને મનગમતી દુકાનેથી વ્યાજબી ભાવે ખરીદી કરવાનો મોકો મળતો નથી. જેથી ધ સુરત સ્ટેશનરી મર્ચંટ એસોસિયેશનની માંગણી છે કે સ્કૂલ મારફત ચાલતા આ વેપારને અટકાવવા માટેનાં જરૂરી પગલાં લો અને અન્ય નાના વેપારીઓને આર્થિક નુકશાનન થાય તે બાબત ને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનો કોઈ ઉકેલ આવે તેવી રજુઆત કરી હતી. તો વધુમાં એવી માંગણી અને અનુરોધ પણ કર્યુ હતુ કે સ્કૂલ તરફથી બુક લિસ્ટ ઓપન હોવું જોઈએ. વાલીને જ્યાંથી ખરીદી કરવી હોય ત્યાંથી તે કરી શકે એ પ્રમાણેની વ્યવસ્થા થાય તો જ સ્ટેશનરીનાં વેપારીઓ ટકી રહશે.