સાગબારા જંગલ જમીન ખેડાણ ધરણાનો આજે 11 મો દિવસ
સેરવાય વન અધિકાર સમિતિના પ્રમુખ ખેડૂતોના સમર્થનમાં આવ્યા
પેન્ડિંગ ઠરાવોનો નિકાલ કરવા સરકારને અપીલ
નર્મદા અને સુરત જિલ્લાની સરહદ પર આવેલા સાગબારા અને ઉમરપાડા વિસ્તારમાં જંગલ જમીન ખેડાણનો પ્રશ્ન હવે સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
જંગલ જમીનના હક અને ખેડાણને લઈને સ્થાનિક આદિવાસીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા ધરણા પ્રદર્શન અને આંદોલનને આજે 18 મી ઓગસ્ટ એતે 11 મો દિવસ છે, છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી. ગુજરાતના સ્થાનિક નેતાઓ બાદ હવે આ આંદોલનને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રથી પણ સમર્થન સાંપડ્યું છે. મહારાષ્ટ્રના અક્કલકુવા વિધાનસભાના ધારાસભ્ય અમશા પાડવી સાગબારા ખાતે આંદોલનકારી ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમને સંપૂર્ણ સહકાર અને સમર્થનની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, હું મહારાષ્ટ્ર કે ગુજરાતનો નહીં, પરંતુ પહેલા આદિવાસી સમાજનો ભાઈ છું. આ ધરણા પર બેઠેલા ખેડૂતો અમારા સમાજના આદિવાસી ભાઈઓ છે. વર્ષ 2002થી આ ખેડૂતો અહીં જમીન ખેડીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેથી જમીન ખેડાણનો કાયદેસરનો હક તેમને મળવો જ જોઈએ. એક તરફ સાગબારાના ખેડૂતો હક્ક માટે લડી રહ્યા છે, તો બીજી તરફ ઉમરપાડા ખાતે ‘જંગલ બચાવો, આદિવાસી બચાવો’ રેલી યોજાઈ હતી. આ રેલીમાં સાગબારાના ખેડૂતો દ્વારા ઉમરપાડાની જમીન પર થઈ રહેલા ખેડાણ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આદિવાસીઓના હક અને પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા ધારાસભ્ય અમશા પાડવીના આગમનથી આ આંદોલનમાં નવો વળાંક આવ્યો છે. જંગલ જમીનના મુદ્દે શાસક અને વિપક્ષના નેતાઓ સામસામે આવી જતાં રાજકીય ગરમાવો વધી ગયો છે.11-11 દિવસથી આંદોલન ચાલુ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ન લાવવામાં આવતાં આદિવાસીઓ અને ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં આ ધરણાં પ્રદર્શન વધુ ઉગ્ર આંદોલનમાં ફેરવાય તેવા સ્પષ્ટ એંધાણ દેખાઈ રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
