ખેડાના ફાગવેલ તાલુકા પંચાયતમાં વિકાસ ગ્રાન્ટ મુદ્દે કોંગ્રેસનો હોબાળો
ગ્રાન્ટની ફાળવણીમાં અન્યાયના આક્ષેપ સાથે કોંગ્રેસે ટીડીઓને આવેદન
ગ્રાન્ટની ફાળવણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો
ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકામાં વિકાસના કામો માટે આવેલી ગ્રાન્ટની ફાળવણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે.
ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલમાં સ્થાનિક તાલુકા પંચાયતમાં કોંગ્રેસ દ્વારા વિકાસ કામોની રકમમાં અન્યાય અને ઉચાપતનો આક્ષેપ કરીને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. આવેદનપત્ર આપતી વખતે કાર્યકરોએ વિરોધ દર્શાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને પંચાયતો સાથે થતા ભેદભાવને દૂર કરવા માંગ કરી હતી. તાલુકાના વિકાસ માટે સરકાર તરફથી મળવાપાત્ર કુલ 2.25 કરોડ રૂપિયાની ગ્રાન્ટની વહેંચણીમાં ભારે અસમાનતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તાલુકાની 16 જેટલી ગ્રામ પંચાયતોને આ ગ્રાન્ટનો યોગ્ય લાભ મળ્યો નથી અને માત્ર અમુક જ ગામોને પ્રાધાન્ય આપીને અન્ય પંચાયતો સાથે અન્યાય કરવામાં આવ્યો છે. સરકારની વિવિધ યોજનાઓ હેઠળ જે રકમ ફાળવવામાં આવે છે તેમાં પક્ષપાતી નીતિ અપનાવવામાં આવી રહી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. તાલુકા કોંગ્રેસ સંગઠનના પ્રમુખ ઘનશ્યામભાઈ પરમારે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાં સત્તાધારી પક્ષ દ્વારા મનસ્વી રીતે કામ કરવામાં આવી રહ્યું છે. 17 માંથી એક-બે ગામોને જ લાભ આપીને બાકીના ગામો સાથે અન્યાય કરવામાં આવ્યો છે.
અગાઉ ફાગવેલ તાલુકાના 17 ગામના સરપંચોએ એકત્ર થઈને 69 લાખ રૂપિયાના ખર્ચે 49 પ્રાથમિક વિકાસ કામોનું આયોજન તૈયાર કરીને મંજૂરી અર્થે મોકલ્યું હતું. જોકે આ કામોની મંજૂરી રદ કરી દેવામાં આવી હતી. સત્તાના જોરે આ પ્રાથમિક કામો રદ કરીને તેની સામે 72 લાખ રૂપિયાના નવા કામો સરપંચોને અંધારામાં રાખીને મંજૂર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. પોતાના આર્થિક ફાયદા માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો સ્થાનિક પંચાયતોને મળવાપાત્ર ગ્રાન્ટની સુવ્યવસ્થિત અને ન્યાયી રીતે ફાળવણી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં આ પ્રશ્ને વધુ ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે. તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સમગ્ર તાલુકામાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને આ બાબતે ઉપરી કક્ષાએ પણ રજૂઆતો કરીને ન્યાય મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
