નવસારીના ગણદેવી કુંભારવાડમાં અનોખા દોરી રાસનું આકર્ષણ
આધુનિક ગરબાની વચ્ચે વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત
દાંડિયા સાથે દોરી બાંધીને યુવાનો રમે છે અનોખો રા
ગણદેવીમાં દસ પેઢીઓથી દોરી રાસની પરંપરા જળવાઈ
નવરાત્રિમાં કુંભારવાડનો પરંપરાગત દોરી રાસ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવરાત્રિ પર્વની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. સમયની સાથે ગરબાની ઉજવણીમાં પણ આધુનિકતાનો રંગ જોવા મળી રહ્યો છે. ક્યાંક એસી ડોમમાં તો ક્યાંક હાઈપ્રોફાઈલ આયોજનોમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી કુંભારવાડમાં આજે પણ વર્ષો જૂની પરંપરાને જીવંત રાખતો અનોખો દોરી રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીંના યુવાનો દોરી સાથે દાંડિયા બાંધીને અનોખી રીતે રાસ રમે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ પરંપરા છેલ્લા દસ પેઢીઓથી ચાલી આવે છે.
આ દોરી રાસની વિશેષતા એ છે કે ખેલૈયાઓ દોરી પકડીને તાલબદ્ધ રીતે રાસ રમે છે, ત્યારે દોરી એકબીજામાં એવી રીતે ગૂંથાઈ જાય છે કે જાણે મહિલાના ચોટલાની ગૂંથણી થઈ રહી હોય. નવાઈની વાત તો એ છે કે રાસ રમતી વખતે આ ગૂંથાયેલી દોરી આપોઆપ છૂટી પણ જાય છે. પરંપરા, તાલ અને તાલમેલના અદભુત સંગમ સમાન આ દોરી રાસ જોવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળે છે. આધુનિકતાના યુગમાં જ્યાં નવરાત્રિના આયોજનોમાં નવા પ્રયોગો થઈ રહ્યા છે, ત્યાં ગણદેવીના કુંભારવાડના યુવાનો પોતાની આગવી પરંપરાને જાળવી રાખીને સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે. દસ પેઢીઓથી ચાલી આવતી આ અનોખી કળા માત્ર રાસ-ગરબાની પરંપરા જ નહીં, પરંતુ નવી પેઢી સુધી લોકસંસ્કૃતિ અને વારસો પહોંચાડવાનો પણ એક સુંદર પ્રયાસ છે.
