રાજકોટ નર્સની હત્યા નિપજાવનાર આરોપી ઝડપાયો
નર્સના ઘરમાં દુષ્કર્મના ઈરાદે ઘૂસ્યા બાદ તાબે ન થતા ચપ્પુના ઘા મારી હત્યા
ઝપાઝપીમાં આરોપી પોતે પણ ઈજાગ્રસ્ત થયો
રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર આવેલ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં નર્સ ચૌલાબેન પટેલની હત્યા કેસમાં પોલીસે પાડોશમાં જ ભાડેથી રહેતા બે સંતાનના પિતા એવા 34 વર્ષીય આરોપી કાનજી ભીમાભાઇ વાંજાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં નર્સ ચૌલાબેનની હત્યાના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે, પોલીસ તપાસમાં આરોપી બદકામ કરવા ઇરાદે મહિલાના ઘરમાં પ્રવેશ કરી બળજબરી કરવા પ્રયાસ કર્યો હતો જો કે મહિલાએ સામે પ્રતિકાર કરતા રોષે ભરાયેલ આરોપીએ મહિલાને છાતીના ભાગે છરીનો એક ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મહિલાએ પ્રતિકાર કરતા આરોપીને હાથ તેમજ પગના ભાગે ઇજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર FSL કચેરી પાછળ આવેલા ઋષીકેશ પાર્ક 2માં ‘ઉમીયાજી કૃપા’ નામના મકાનમાં ઉપરના માળે છેલ્લા 4 મહિનાથી ભાડેથી રહેતાં અને રાજકોટની સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં મુળ અમદાવાદના 53 વર્ષીય ચૌલાબેન ત્રિભોવનદાસ પટેલની સોમવારે રાત્રે તેના જ મકાન પાછળ રહેતાં પડોશી કાનજી ભીમાભાઇ વાંજા નામના 34 વર્ષના શખ્સે ગળું દાબી છરીના ઘા ઝીંકી ક્રુર હત્યા નિપજાવી હતી.
સોમવારે રાત્રે હત્યા અંગે જાણ થતા આસપાસના લોકો દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી જે બાદ 108ના સ્ટાફે ચકાસી મહિલાને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતીઝ દરમિયાન આરોપી પોતે નાસી છૂટ્યો હતો અને પરત પોતાના ઘરે જઇ બાથરૂમમાં છુપાઈ ગયો હતો. યુનિવર્સિટી પોલીસ પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ પંડયા, એએસઆઇ હિતેષભાઇ જોગડા, હેડકોન્સ. જયંતિભાઇ, સિધ્ધરાજસિંહ તેમજ ડી. સ્ટાફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા આરોપી અંગે માહિતી પોલીસને આપવામાં આવી હતી અને પોલીસે તુરંત તેના ઘરે પહોંચી તેને પકડી પ્રથમ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યાનો ભોગ બનેલ મહિલા ચૌલાબેન પટેલ એક ભાઇથી નાના હતા અને અગાઉ તેમના લગ્ન થયા હતા પરંતુ પતિ સાથે મનમેળ ન આવતા થોડા સમયમાં છૂટાછેડા લઇ લીધા હતા ત્યારબાદ તેઓએ બીજા લગ્ન કરવાનું ટાળ્યું હતું અને એકલા જ રહેતા હતા. તેઓ છેલ્લા 24 વર્ષથી અમદાવાદ સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં હતાં અને ગત ફેબ્રુઆરીમાં જ રાજકોટ બદલી થતાં હાલ રાજકોટ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતાં હતાં. આગામી મહિને ફરી તેની બદલી અમદાવાદ થવાની હોવાનું તેઓ પડોશીને કહેતાં હતાં.,,,,,કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી