તાપી : માહિતી વિભાગમાં ગિફ્ટ હેમ્પર વિતરણમાં ભેદભાવ
મહેનતુ પત્રકારોની બાદબાકી, ‘મોસમી’ પત્રકારોને પ્રોત્સાહન
તાપી જિલ્લા માહિતી વિભાગમાં ગિફ્ટ હેમ્પર વિતરણમાં ભેદભાવ: મહેનતુ પત્રકારોની બાદબાકી, ‘મોસમી’ પત્રકારોને પ્રોત્સાહન પ્રાપ્ત વિગતો મુજબ, માહિતી વિભાગે માત્ર ગણતરીના અને ખાસ કરીને દીવાળી પૂરતા જ દેખાતા ‘મોસમી’ પત્રકારોને જ આ ગિફ્ટ હેમ્પર આપીને નવાજ્યા છે. બીજી તરફ, જે પત્રકારો આખું વર્ષ મહેનત કરે છે, દિવસ-રાત જોયા વગર ફિલ્ડમાં કામ કરે છે અને સૌથી અગત્યનું, જેઓ નિર્ભયપણે તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલીને જાહેર હિતમાં અહેવાલો પ્રસારિત કરે છે, તેવા સાચા પત્રકારોને જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યા છે. પત્રકારોનું કહેવું છે કે,
આ પ્રકારનું વલણ અપનાવીને માહિતી વિભાગ મોસમી પત્રકારોને પ્રોત્સાહન આપી રહ્યું છે અને મહેનતું પત્રકારોને નિરાશ કરી રહ્યું છે. સક્રિય પત્રકારોને અવગણીને માત્ર તહેવાર પૂરતા દેખાતા લોકોને સન્માનિત કરવા પાછળ માહિતી વિભાગનો હેતુ શું છે, તે એક મોટો સવાલ છે. જે પોતે જ સરકારની નીતિઓ અને કાર્યોમાં પારદર્શિતા લાવવા માટે જવાબદાર છે, તે જ વિભાગ જ્યારે ખુલ્લો ભેદભાવ આચરે ત્યારે અનેક તર્ક-વિતર્ક સર્જાય છે. પત્રકાર જગતનું માનવું છે કે, આ પગલું માહિતી વિભાગની પ્રતિષ્ઠા અને પત્રકારો પ્રત્યેના તેના વલણ પર ગંભીર સવાલો ઉભા કરે છે. આ ગંભીર આક્ષેપોના સંદર્ભમાં જિલ્લા માહિતી વિભાગનો પક્ષ જાણવા માટે પત્રકારો દ્વારા સંપર્ક સાધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ મામલે નાયબ માહિતી નિયામક સુમિત ગોહિલનો ટેલિફોનિક સંપર્ક કરવા માટે અનેકવાર પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમના દ્વારા ફોન ઉપાડવાની તસદી પણ લેવામાં આવી નહોતી, જેના કારણે વિભાગનું મૌન વધુ શંકાસ્પદ બન્યું છે.તેમજ આ અંગે વિભાગના જવાબદાર કર્મચારી / અધિકારી અલ્કેશભાઈનો સંપર્ક કરવામાં આવતા તેમણે જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, “આ અંગેનો જવાબ આપવાની સત્તા મારી પાસે નથી. આ ભેદભાવને કારણે જિલ્લાના નિષ્ઠાવાન અને સક્રિય પત્રકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.અધિકારીઓનું મૌન અને કર્મચારીઓ દ્વારા જવાબ આપવાનો ઇનકાર એવું સૂચવે છે કે, આ વિતરણમાં કોઈ ચોક્કસ ધારાધોરણોનું પાલન કરવામાં આવ્યું નથી અથવા તો કોઈ રાજકીય કે અંગત કારણોસર આ ભેદભાવ કરવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર તાપી જિલ્લાના પત્રકાર આલમમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક સ્પષ્ટતા અને ન્યાયી તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે
