સુરત: એલસીબી પોલીસની મોટી કાર્યવાહી
મોતાગામથી 5.56 લાખનો વિદેશી દારૂ જપ્ત
એક મહિલા ઝડપાઈ, બે ફરાર
બારડોલી તાલુકાના મોતા ગામે વિદેશી દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલાં જ સુરત જિલ્લા એલસીબીએ દરોડો પાડી રૂ. 5.56 લાખ રૂપિયાનો વિદેશી દારૂ સાથે કુલ 10.11 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક મહિલાની અટક કરી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોતા ગામ નવી ગિરનાર ફળીયામાં રહેતા લિસ્ટેડ બુટલેગર રાહુલ ઉર્ફે લાલુ નવીનભાઈ રાઠોડ તથા તેના પિતા નવીન બચુ રાઠોડ પોતાના ઘરમાં તથા તેમની ઘરની આગળ પાર્ક કરેલ મારુતિ કંપની ઇકો ગાડીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મુકી રાખેલ છે. જે બાતમીના આધારે સુરત જિલ્લા એલસીબીએ છાપો મારી સ્થળ પરથી મીનાબેન રાહુલ રાઠોડની અટક કરી હતી અને ઘર આગળ પાર્ક કરેલ ઇકો કારમાંથી 2892 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 5 લાખ 56 હજાર 080 રૂપિયા મળી આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત કાર અને એક મોબાઇલ ફોન મળી કુલ 10 લાખ 11 હજાર 80 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ગુનામાં રાહુલ અને તેના પિતા નવીનને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે….