બારડોલી રૂરલ પોલીસને મળી મોટી સફળતા
પોલીસે વિદેશી દારૂનો વિપુલ જથ્થો ઝડપી પાડ્યો
પોલીસે 12 લાખ થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
બારડોલી: બારડોલી રૂરલ પોલીસે બુધવારે બપોરે મોવાછી ગામની સીમમાં એક મોટી કાર્યવાહી કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો વિપુલ જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસને જોઇને આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે કુલ રૂપિયા ૧૨,૫૮,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના અ.હે.કો. પ્રવિણસિંહ મનુસિંહ તથા તેમની ટીમને બાતમી મળી હતી કે મોવાછી ગામની સીમમાં ખુશાલભાઈ ગોવિંદભાઈ પટેલના ખેતરની બાજુમાં રોડ ઉપર મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થવાની છે. આ બાતમીના આધારે પોલીસે બપોરે દરોડો પાડ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી એક અશોક લેલન્ડ ટેમ્પો (રજી નંબર GJ 05 BT 4471), એક સફેદ રંગની મારૂતી સુઝુકી સ્વીફ્ટ કાર (રજી નંબર GJ 21 AA 8832) અને એક હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજી નંબર GJ 19 BH 7152) મળી આવ્યા હતા. આ વાહનોની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની વ્હીસ્કીની બોટલો તથા ટીન બીયર મળી કુલ 2484 નંગ જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹5,08,800 અંદાજવામાં આવી છે. પોલીસની રેડ દરમિયાન ત્રણેય વાહનોના ચાલકો તથા અન્ય ત્રણ અજાણ્યા ઈસમો પોલીસને જોઇને વાહનો અને દારૂનો જથ્થો સ્થળ પર જ મૂકીને ફરાર થઇ ગયા હતા. પોલીસે ₹5,08,800 દારૂ, ₹4,00,000 ટેમ્પો, ₹3,00,000ની સ્વીફ્ટ કાર અને ₹50,000ની મોટરસાયકલ મળી કુલ ₹12,58,800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે અ.હે.કો. પ્રવિણસિંહ મનુસિંહની ફરિયાદના આધારે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુજરાત નશાબંધી અધિનિયમ મુજબ ગુનો નોંધી તમામ વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ટેમ્પો ચાલક સપ્લાયર તરીકે, જ્યારે સ્વીફ્ટ કાર અને મોટરસાયકલ ચાલકો રીસીવર તરીકેની ભૂમિકામાં હોવાનું જણાયું છે. પોલીસ વાહન નંબરના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે…..